પાવાગઢ વાઘેશ્વરી માતાજીના મંદિરેથી પાવાગઢ પરિક્રમાના દસમાં ચરણનો પ્રારંભ કરાવાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૧૨.૨૦૨૫
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પ્રસિધ્ધ યાત્રાધામ અને દેશની ૫૨ શક્તિપીઠ પૈકી એક પાવાગઢ ખાતે આજે શુક્રવારના રોજ ૧૦ માં ચરણની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો હતો.પાવાગઢ પરિક્રમા સમિતિ આયોજીત આ દસમા ચરણની પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી કરવામા આવ્યો હતો.૪૪ કિલોમીટરની આ પરિક્રમામાં ગુજરાતભરમાંથી માઈભકતો ઉમટી પડ્યા હતા.બે દિવસ ચાલનારી આ પરિક્રમામાં પરિક્રમાવાસીઓ પાવાગઢ ડુંગરની ફરતે આવેલા ધાર્મિક સ્થળો ખાતે ફરીને પુર્ણાહુતિ થશે.ગુજરાતના સુપ્રસિદ્ધ પાવાગઢની પરિક્રમાનું હિન્દૂ સંસ્કૃતિમાં આધ્યાત્મિક મહત્વ છે.હિન્દૂ સંસ્કૃતિમાં શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે.આશરે લગભગ ૭૦૦ વર્ષ કરતાં વધુ સમયથી આ ચાલતી આવતી પાવાગઢની પરિક્રમા સુસુપ્ત અવસ્થામાં હતી.પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આ પરિક્રમાને જીવંત કરવામા આવી હતી. ગુજરાતના જાણીતા યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી બે દિવસની પાવાગઢ પરિક્રમાનો જય મહાકાલી માતાજીના ગગનભેદી નારા સાથે પ્રારંભ થયો હતો. શુક્રવારના રોજ વહેલી સવારે પાવાગઢની તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી પરિક્રમાના દસમાં ચરણનો પ્રારંભ પાવાગઢ પરિક્રમા સમિતીના આગેવાનો અને તાજપુરા નારાયણ ધામના લાલાબાપુ,હાલોલના ધારાસભ્ય અને પુર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર, પરાગ પંડ્યા સહિત અનેક આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ.આ પરિક્રમામા ગુજરાતના અનેક જીલ્લાઓમાંથી ભાવિકભક્તોએ રજીસ્ટ્રેશન કરાવીને જોડાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે વાઘેશ્વરી માતાજીના મંદિરેથી શરૂ થતી આ પરિક્રમા યાત્રા ટપલાવાવ હનુમાનજી મંદિર, મહાકાળી અને કાળ ભૈરવદાદાના કોટકાળી મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિરથી તાજપુરા નારાયણ ધામ ખાતે પહોંચ્યા બાદ બીજા દિવસે ધાબા ડુંગરી ખાતે આવેલા કેદારેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ તેમજ ખૂણેશ્વર મહાદેવના સ્થળો સાથે યાત્રા પુર્ણ થશે.૪૪ કિલોમીટરની પદયાત્રામાં ૧૫ કિલોમીટરની યાત્રા જંગલમાંથી પસાર થાય છે અને તેમાં પણ ૮ કિલોમીટરની યાત્રા ગાઢ જંગલના દુર્ગમ રસ્તાઓ ઉપરથી ચાલીને પસાર કરવી પડે છે પરંતુ ભાવિકો કોઈ ડર રાખ્યા વિના ભક્તિભાવથી આ પાવાગઢ પરિક્રમા યાત્રામા જોડાય છે.










