
વિજાપુર નગરપાલિકાના સફાઈ કામદારોની સુરક્ષા મુદ્દે મામલતદારને રજૂઆત, હડતાલથી શહેરમાં ગંદકીની સમસ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર:
વિજાપુર નગરપાલિકામાં ફરજ બજાવતા વાલ્મિકી સમાજના સફાઈ કામદારોએ પોતાની સુરક્ષા, વહીવટી ઉદાસીનતા અને હડતાલને કારણે શહેરમાં ઉભી થયેલી ગંદકીની સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે મામલતદાર અતુલ સિંહ ભાટી સમક્ષ આવેદનપત્ર આપ્યું છે.
આવેદનમાં જણાવ્યા મુજબ, વિજાપુર નગરપાલિકામાં લગભગ ૪૨ જેટલા સફાઈ કામદારો શહેરની સ્વચ્છતા માટે રોજિંદા જીવના જોખમે ફરજ બજાવે છે. પરંતુ તા. ૧૫/૧૨/૨૦૨૫ના રોજ મકરાણી દરવાજા પાસે ટાવર રોડ વિસ્તારમાં સફાઈ કામદારો પર જાતિ આધારિત અપમાનજનક શબ્દો બોલી ધોકાથી માર મારવાની ગંભીર ઘટના બની હતી. આ ઘટનામાં વિજાપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હોવાનું આવેદનમાં ઉલ્લેખ કરાયો છે.
આ ઘટનાને પગલે સફાઈ કામદારોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોતાની સુરક્ષા માટે કોઈ સ્પષ્ટ પ્રોટેક્શન ન મળતા કામ પર આવવામાં ભય લાગતો હોવાનું કામદારો દ્વારા જણાવાયું છે. સાથે જ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા ચીફ ઓફિસર દ્વારા યોગ્ય સમર્થન ન મળતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. ચીફ ઓફિસર કચેરીમાં નિયમિત હાજર ન રહેતા હોવાથી રજૂઆતોનું નિવારણ થતું નથી તેવી ફરિયાદ પણ કરવામાં આવી છે.
આ પરિસ્થિતિને કારણે સફાઈ કામદારો અનિચ્છાએ હડતાલ પર ઉતર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે, જેના પરિણામે શહેરમાં ગંદકીના ઢગલા થવા લાગ્યા છે અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સફાઈ કામદારોએ મામલતદાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ મૂકી છે, જેમાં ફરજ દરમિયાન પૂરતી સુરક્ષા અને પોલીસ પ્રોટેક્શન, નગરપાલિકા વહીવટ તરફથી લેખિત ખાતરી, ચીફ ઓફિસરને નિયમિત હાજરી અને તાત્કાલિક બેઠક યોજવા તેમજ અગાઉની ભરતી સહિતની અન્ય રજૂઆતોના નિવારણની માંગ સામેલ છે.
સફાઈ કામદારોએ આશા વ્યક્ત કરી છે કે મામલતદાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરીને નગરપાલિકા વહીવટને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે, જેથી તેઓ ફરીથી કામે જોડાઈ શકે અને શહેરના નાગરિકોને ગંદકીની સમસ્યામાંથી મુક્તિ મળી શકે તે માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.




