
અરવલ્લી
અહેવાલ; હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’નો શુભારંભ કરાવતાં ઉર્જા અને પેટ્રોકેમિકલ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલ
ઉમિયા મંદિર ગ્રાઉન્ડ, મોડાસા ખાતે તા. ૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન ‘સશક્ત નારી મેળો’ યોજાશે: વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ થશે
મંત્રી ઋષિકેશ પટેલ તથા મંત્રી પી.સી.બરંડાએ મેળામાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી
રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે, અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તા.૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન ઉમિયા મંદિર ગ્રાઉન્ડ , મોડાસા ખાતે ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું છે.
ઉર્જા અને પેટ્રોકેમિકલ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અરવલ્લી જિલ્લાના “સશક્ત નારી મેળા”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ, આ પ્રસંગે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરીક પૂરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડા ઉપસ્થિત રહ્યાં હતા.
મંત્રી ઋષિકેશ પટેલ તથા મંત્રી પી.સી.બરંડાએ મેળામાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું અને મહિલાઓને પ્રોત્સાહન આપવા વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરી. આ સાથેજ મહિલાઓ સાથે વાર્તાલાપ કરીને તેમની વાતો પણ સમજી. આ મેળાનો મુખ્ય હેતુ સ્વસહાય જૂથની મહિલાઓને ‘લોકલ ફોર વોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર બનાવવાનો છે.
ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’માં ૫૦ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યાં છે, સ્ટોલમાં ક્રાફ્ટ ચીજ વસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફટ, જવેલરી, હર્બલ પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ, આયુર્વેદિક પ્રોડક્ટસનું સ્વસહાય જૂથની મહિલાઓ અને ઉદ્યોગ સાહસિકો દ્વારા વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત દુધની પ્રોડક્ટ, હેલ્ધી ફૂડ મિલેટ, ખાખરા પાપડ અથાણા, મસાલા વગેરે પ્રોડક્ટનું પણ વેચાણ કરવામાં આવશે. આમ આ મેળામાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ થશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા,મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ સહિતન અધિકારી-પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સ્વસહાય જૂથ તેમજ ઉદ્યોગ સાહસિક મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.






