Rajkot: સ્વદેશી ઉત્પાદનોના વેચાણ સાથે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન એટલે “સશક્ત નારી મેળો”

તા.૧૯/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
સરકાર આયોજિત પ્રદર્શન સહ વેચાણ મેળાનો લાભ લઈને અમે પગભર બન્યા છીએ : શ્રી કાજલબેન ચાંચીયા
Rajkot: રાજ્ય સરકારની ‘સશક્ત નારી મેળા’ની પહેલ મહિલાઓની કલા અને તેમના પ્રયાસોને પ્રદર્શિત કરી, રોજગારીનું પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ જિલ્લા-સ્તરીય મેળો આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગ આપી રહ્યો છે. રાજકોટમાં ૧૫૦ ફીટ રિંગ રોડ પર મહાનગરપાલિકાના પ્લોટ ખાતે તા. ૧૯ ડિસેમ્બરે ‘સશક્ત નારી મેળા’નું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં વિવિધ વિભાગના કુલ ૧૧૨ જેટલા સ્ટોલ છે.
‘સશક્ત નારી મેળા’માં સ્ટોલ નંબર ૧૧ ક્રિષ્ના મિશન મંગલમનો છે. આ મંડળના મંત્રી શ્રી હંસાબેન ચાંચીયાના દીકરી શ્રી કાજલબેન કહે છે કે, અમે રાજકોટના જીયાણા ગામમાંથી અહીં આવ્યા છીએ. મંડળમાં જોડાયેલાં ૧૦ બહેનો સાથે મળીને ઉનમાંથી તોરણ, લટકણીયાં સહિત આણાં અને સુશોભનની વસ્તુઓ બનાવીએ છીએ અને તેનું વેચાણ કરીએ છીએ. મંડળને આ પૂર્વે પણ ઘણીવાર સરકાર માન્ય સ્ટોલ મળ્યા છે.
સરકાર આયોજિત પ્રદર્શન સહ વેચાણ મેળાનો લાભ લઈને અમે પગભર બન્યા છીએ. સરકાર તરફથી રહેવા, જમવાની સુવિધા તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. અમારું આવવા-જવાનું ભાડું પણ સરકાર આપે છે, જે બદલ સી.એમ.શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનીએ છીએ, તેમ શ્રી કાજલબેને ઉમેર્યું હતું.
આમ, રાજ્યવ્યાપી ‘સશક્ત નારી મેળા’ મહિલા આગેવાની હેઠળ વિકાસ પર ભાર મૂકીને ગ્રામીણ આજીવિકા અને સ્વદેશી બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપી રહી છે. જેથી, કહી શકાય છે કે, સ્વદેશી ઉત્પાદનો એટલે નારીશક્તિને વધુ સશક્ત કરવાનો ઉત્તમ અવસર…




