
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
શામળાજી પોલીસે હાઇવા ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ – 1 વોન્ટેડ જાહેર
અરવલ્લી જિલ્લામાં પ્રોહીબિશનના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે શામળાજી પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપીને નોંધપાત્ર સફળતા મેળવી છે
વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જ તથા મનોહરસિંહ એન. જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષક, અરવલ્લી (મોડાસા)ના માર્ગદર્શન હેઠળ આગામી 31 ડિસેમ્બર અનુલક્ષીને જિલ્લામાં પ્રોહીબિશન સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક આર.ડી. ડાભી સાહેબ, મોડાસા વિભાગના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ સ્ટેશન દ્વારા ખાસ વાહન ચેકિંગ અને નાકાબંધીની કામગીરી ચાલી રહી હતી.
આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલ, પો.સ.ઈ આર.જે. રાઠોડ તથા પો.સ.ઈ પી.ડી. ગોહીલ સ્ટાફ સાથે અણસોલ પોલીસ ચેક પોસ્ટ ખાતે રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ વાહનોની તપાસ કરી રહ્યા હતા. ત્યારે પો.સ.ઈ આર.જે. રાઠોડને બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે રંગપુર ગામ તરફથી આવતી ટાટા હાઇવા ટ્રક નં. RJ-35-GA-1167 ની બોડીના મધ્ય ભાગમાં ગુપ્તખાનામાં વિદેશી દારૂ ભરેલ છે.
મળેલી બાતમીના આધારે રંગપુર ગામ પાસે ઉભી રહેલી સદર ટ્રકને ચેક કરતા તેમાં સફેદ માટી ભરેલી હોવાનું જણાયું, જે મોરબી ખાતે પહોંચાડવાની વાત કરવામાં આવી.ટ્રકની પાછળની બોડી અર્ધ હાઇડ્રોલિક રીતે ઉંચી કરતાં વચ્ચે બનાવેલ ગુપ્તખાનામાંથી પ્લાસ્ટિકના કોથળામાં છુપાવેલ ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ મળી આવી.તપાસ દરમ્યાન કુલ વિદેશી દારૂની પેટીઓ નંગ-16, જેમાં કુલ 344 બોટલ/બીયરના ટીન, જેની કિંમત રૂ. 1,63,920/- થાય છે, તે સાથે હેરાફેરીમાં વપરાયેલ હાઇવા ટ્રક (રૂ. 10,00,000/-) અને મોબાઇલ ફોન નંગ-2 (રૂ. 7,000/-) મળી કુલ રૂ.11,70,920/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.
પકડાયેલ આરોપી:
1. જીતેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ ડોણ (ઉ.વ. 27)
રહે. કરહરમાતા ફાળા, આમજેરા, તા. વિછીવાડા, જી. ડુંગરપુર
2. આશીષભાઇ રમણભાઇ ખરાડી (ઉ.વ. 27)
રહે. ખરાડી ફળીયુ, આમજેરા, તા. વિછીવાડા
બન્ને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વોન્ટેડ આરોપી:
દુર્જણ મણીલાલ ડોણ, રહે. કરહરમાતા ફાળા, આમજેરા, તા. વિછીવાડા, જી. ડુંગરપુર
(દારૂ ભરી આપનાર વોન્ટેડ જાહેર)
શામળાજી પોલીસની આ સફળ કામગીરીને કારણે પ્રોહીબિશન સામેની લડતમાં મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે.





