સુશાસનની નેમને સાર્થક કરતી જુનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરી,જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની પ્રેરણા અને માર્ગદર્શનથી નાગરિક કેન્દ્રી અભિગમ સાકાર થયો : મહેસુલી કામગીરીને ઝડપી બનાવવા કર્મચારીઓની તાલીમ પર ભાર આપ્યો
સુશાસનની નેમને સાર્થક કરતી જુનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરી,જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની પ્રેરણા અને માર્ગદર્શનથી નાગરિક કેન્દ્રી અભિગમ સાકાર થયો : મહેસુલી કામગીરીને ઝડપી બનાવવા કર્મચારીઓની તાલીમ પર ભાર આપ્યો

જૂનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરીના અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારના ઉદ્દેશોને સિદ્ધ કરવા હકારાત્મક અભિગમ, પરિશ્રમ અને માનવીય સંવેદનાઓ સાથેની કામગીરીથી સુશાસનની નેમને ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે.એક સમયે ખેડૂતોની રેવન્યુ રેકર્ડમાં હક્કપત્રક નોંધ નામંજૂર થવાનો દર ૧૦.૯૧ ટકા હતો, તેને ઘટાડીને ૦.૯૦ ટકા સુધી લાવવામાં સફળતા મળી છે. આ માટે મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રી- મહેસુલ અને સર્કલ ઓફિસરશ્રીએ હકારાત્મક અભિગમ સાથે વિશેષ તકેદારી દાખવવાથી આ પરિણામ શક્ય બન્યું છે. ઉપરાંત આવકનો દાખલો અરજદારે અરજી કર્યાના જ દિવસે આપવામાં આવે છે,રાશનકાર્ડ ધારકોની ખરાઈ પણ ડિજિટલ થાય તે માટે પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. ઘણી વખત ખેડૂત સહિતના અરજદારોના હિતને ધ્યાને રાખી કચેરીને મોડે સુધી કાર્યરત રાખવામાં આવે છે. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની પ્રેરણા અને માર્ગદર્શનથી આ નાગરિક કેન્દ્રી અભિગમ સાકાર થયો છે, જિલ્લા કલેકટરશ્રીએ ખાસ મહેસુલી કામગીરીને ઝડપી બનાવવા માટે કર્મચારીઓની તાલીમ પર પણ વિશેષ ભાર આપ્યો હતો. તેના પરિણામો મળી રહ્યા છે.આ સંદર્ભમાં મામલતદાર શ્રી સંદીપ મહેતા કહે છે કે, રાજ્ય સરકારની સુશાસનની નેમને ધ્યાને રાખી અરજદારોનું કામ સરળતાપૂર્વક થઈ શકે તેવી પ્રાથમિકતા સાથે કામગીરી કરવામાં આવે છે, અરજદારોના કામમાં બિનજરૂરી વિલંબ ન થાય તેની ખૂબ જ તકેદારી રાખવામાં આવે છે. લોકોને જરૂરી એવા પ્રમાણપત્રો દાખલા મેળવવા માટે જન સેવા કેન્દ્રમાં ઘસારો રહેતો હોય છે, ત્યારે ખાસ તબીબી સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ કઢાવવા માટે અરજદારોને ઝડપથી આવકના દાખલાની જરૂરિયાત રહેતી હોય છે. આ સ્થિતિમાં અરજદાર જે દિવસે અરજી આપે તે જ દિવસે દાખલો આપી દેવામાં આવે છે.આ ઉપરાંત અરજદારોને જુદા જુદા દાખલા- પ્રમાણપત્રો, રાશનકાર્ડ સંબંધી અન્ય જરૂરી કામગીરી માટે પણ કચેરીના કર્મચારીઓ દ્વારા હકારાત્મક અભિગમ સાથે કામ કરવામાં આવે છે. તેની સમયાંતરે સમીક્ષા પણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ માટે સતત જિલ્લા કલેકટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રીનું માર્ગદર્શન અને જરૂરી સૂચનો મળતા રહે છે. ઈ-ધરા શાખાના નાયબ મામલતદાર અંકુર લાડાણી જણાવે છે કે, ખેડૂતો માટે જુદા જુદા પ્રકારની રેવન્યુ રેકોર્ડ- હક્ક પત્રકમાં નોંધ ખૂબ અગત્યની હોય છે. ઈ-ધરા શાખામાં વેચાણ, વારસાઈ, હયાતીમાં હક્ક દાખલ,ખાતેદારો વચ્ચે જમીનની વહેંચણી, હક્ક કમી વગેરે પ્રકારની નોંધ હક્કપત્રકમાં દાખલ થતી હોય છે. આ નોંધ મંજુર થાય તે ખેડૂતો માટે ખૂબ જરૂરી હોય છે. તેમણે કહ્યું કે, હકારાત્મક અભિગમ અને અરજદારોને જરૂરી માર્ગદર્શન આપવાથી વર્ષ ૨૦૧૩માં વિવિધ પ્રકારની હકપત્રકમાં નોંધ નામંજુર થવાનું પ્રમાણ ૧૦.૯૧ ટકા હતું, તે ઘટાડીને ૦.૯૦ ટકા સુધી લાવવામાં સફળતા મળી છે.વર્ષ- ૨૦૨૫માં હક્ક પત્રક નોંધ માટે કુલ ૮૫૪૮ અરજીઓ મળી હતી, જે પૈકી ૮૪૭૧ અરજી મંજુર કરવામાં આવી છે. એટલે કે ૯૯.૧૦ ટકા જેટલી નોંધોને પ્રમાણિત કરવામાં આવી છે, જે વર્ષ ૨૦૦૪થી ઈ – ધરા કોમ્પ્યુટરરાઈઝડ થયું ત્યારથી લઈ અત્યાર સુધીના કુલ ૨૨ વર્ષમાં સૌથી વધુ ૯૯.૧૦ ટકા નોંધ વર્ષ ૨૦૨૫માં પ્રમાણિત થયેલ છે. તેઓ કહે છે કે, અરજદારો પૂરતા સાધનિક કાગળો સાથે જ અરજી કરે તે માટે ઈ – ધરા શાખા દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે, આ માટે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ હક્કપત્રક નોંધ ની અરજી સાથે રજૂ કરવાનાં થતા સાધનિક કાગળોની યાદી પણ બનાવવામાં આવી છે, જે અરજદારને પણ આપવામાં આવે છે. ઉપરાંત અરજદાર માટે જરૂરી સૂચનાઓ નોટિસ બોર્ડ ઉપર પણ મૂકવામાં આવી છે. ઉપરાંત પક્ષકારોને ૧૩૫-ડી ની નોટિસ બજાવવામાં પણ જરૂરી તકેદારી રાખવામાં આવે છે, શક્ય હોય ત્યાં સુધી રૂબરૂ નોટિસ બજાવવાનો અભિગમ રાખીએ છીએ. જેથી પાછળથી નોટિસ ન બજી હોવાનો કોઈ પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. તેમણે એમ પણ કહ્યું કે, આ કામમાં અરજદારોનો પણ જરૂરી સહયોગ મળી રહે છે. આમ, અરજદારોનું કામ સરળતાપૂર્વક અને સમયમર્યાદામાં થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. કેશોદના જ રહેવાસી અને મામલતદાર કચેરીએ જરૂરી કામ અર્થે આવતા અરજદાર ચિરાગભાઈ સુત્રેજા કહે છે કે, કેશોદ મામલતદાર કચેરી અધિકારી કર્મચારીઓ દ્વારા અરજદારોને કામ સહેલાઈથી થઈ શકે તે માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે, તેમણે કહ્યું કે, મારું ખેડ ખાતા એકત્રીકરણ, રેવન્યુ રેકોર્ડમાં બોર ચડાવવા, નવી લીધેલી જમીનની રેવન્યુ રેકોર્ડમાં નોંધણી જેવા કામ ખૂબ સહેલાઈથી થઈ શક્યા છે, ૧૩૫ડી ની નોટિસ બજાવવામાં પણ એટલી કાળજી રાખવામાં આવે છે. ઉપરાંત નોટિસ બોર્ડ પર પણ જરૂરી માહિતી મળી રહે છે.કેશોદ મામલતદાર કચેરી દ્વારા જાન્યુઆરી- ૨૦૨૫થી નોન ક્રિમિલિયર, આવક અને જાતિના દાખલા, બિન અનામત વર્ગ, EWS, સિનિયર સિટીઝન સહિતના જુદા જુદા કુલ ૧૮૧૮૪ દાખલા – પ્રમાણપત્રો જન સેવા કેન્દ્રના માધ્યમથી અરજદારને આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રેશનકાર્ડ ધારકોની ખરાઈ પણ ડિજિટલ થાય તે માટે વિશેષ ભાર આપવામાં આવ્યો છે, કુલ ૮૩,૩૩૭ રેશનકાર્ડ ધારકોનું MY RATION એપના માધ્યમથી ફેઈસ ઓથેન્ટીકેશન દ્વારા E – KYC કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતિની ઉજવણી તા.૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ અંતર્ગત વિશેષરૂપે કરવામાં આવશે, ત્યારે તેમણે સુશાસનની કંડારેલી કેડી પર નાગરિક કેન્દ્રી સેવા-સુવિધાઓનો વ્યાપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં વિસ્તરી રહ્યો છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







