આનંદનગર પ્રા.શાળા થરાદ-3 માં બેગલેસ કાર્યક્રમ અંતર્ગત વાનગી સ્પર્ધા અને એથ્લેટિક્સનું ભવ્ય આયોજન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ તાલુકાની આનંદનગર પ્રાથમિક શાળા થરાદ-3 માં આજે તા. 20/12/2025 ના રોજ આનંદદાઈ શનિવાર તથા બેગલેસ કાર્યક્રમ અંતર્ગત વાનગી સ્પર્ધા અને એથ્લેટિક્સ સ્પર્ધાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.
વાનગી સ્પર્ધામાં શાળાના કુલ 205 વિદ્યાર્થીઓની 46 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ દેશી ચૂલા પર પોતે જ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી પોતાની કૌશલ્યતા પ્રદર્શિત કરી હતી. જેમાં સમોસા, ઘૂઘરા, ગોટા-ચા, લીંબુ સોડા, ગુલાબજાંબુ, વડા પાઉં, રવા પકોડા, મેગી, ભેળ, પાણિપુરી, થેપલા, માવો, બ્રેડ પકોડા, ખજૂરપાક, ફ્રેંચ ફ્રાય, ઓરીઓ સ્વિસ રોલ, ચણા જોર ગરમ, ચીકી જેવી અનેક વાનગીઓનો સમાવેશ થતો હતો.
આ સ્પર્ધાની વિશેષતા એ રહી કે કુમારો દ્વારા બહોળા પ્રમાણમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકમિત્રોએ બાળકો સાથે રહી સતત માર્ગદર્શન આપ્યું અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. વાનગી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રીમતી સી.વી. પટેલ, શ્રીમતી ટી.કે. ચૌધરી તથા શ્રીમતી એમ.એમ. ત્રિવેદીએ ફરજ બજાવી હતી.
આ સાથે બાળવાટિકા થી ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાંબી દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, પુલ્પ્સ જેવી વિવિધ રમતો યોજાઈ હતી. બાળકોોએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લઈ ખરેખર આનંદદાઈ શનિવારની સાચી મજા માણી હતી.
વાનગી સ્પર્ધામાં વણકર મધુબેન રમેશભાઈની ટીમને બટાકા-ભૂંગળા, ગુલાબજાંબુ અને ગોટા વાનગી માટે પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો. એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શાળાના આચાર્ય શ્રી એમ.કે. મણવર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તેમજ ઇનામરૂપે શાળાના તમામ 889 વિદ્યાર્થીઓને એક એક બૉલપેન આપવામાં આવી હતી.
અંતમાં આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપનાર શાળાના તમામ સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થીઓનો આચાર્યશ્રી દ્વારા દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




