
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દેશભરમા ઉજવાઇ રહેલા ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત પ્રજાભિમુખ વહીવટને વરેલા, છેવાડાના ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને મળેલા ત્રણ જેટલા એવોર્ડ્સ એ જિલ્લાને ગૌરવ પ્રદાન કર્યું છે.ડાંગ જિલ્લાના મહેસૂલ વિભાગને ઉત્કૃષ્ટ મહેસૂલી સેવાઓ જેમાં જમીન રેકોર્ડસના ડિજિટાઇઝેશન, જમીન વ્યવસ્થાપનમાં પારદર્શિતા, અને નાગરિકોને ઝડપી અને સરળ જમીન સેવાઓ સંબંધિત સેવાઓ માટે, રાષ્ટ્રીય સ્તરનો ‘ભૂમિ એવોર્ડ’ મળવા પામ્યો છે. જ્યારે કૃષિ ક્ષેત્રે નવીન ટેક્ટોનોલોજીનો ઉપયોગ, ખેડૂતોના જિવનમાં સુધારો, પારદર્શક અને અસરકાર અમલ જેવી પ્રશંસનિય કામગીરી માટે ખેતીવાડી વિભાગને ‘સિલ્વર સ્કોચ એવોર્ડ’ પ્રાપ્ત થયો છે. ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં અંધશ્રદ્ધા અને ડાકણ પ્રથાને કારણે અનેક મહિલાઓ વર્ષોથી માનસિક તથા શારીરિક ત્રાસનો ભોગ બની રહી હતી. અપર્યાપ્ત શિક્ષણ અને ગરીબીના કારણે બિમારી સમયે પણ લોકો ડોક્ટર પાસે જવાને બદલે સ્થાનિક ભગત અથવા ભુવા પાસે જવાનું પસંદ કરતા, જેના કારણે નિર્દોષ મહિલાઓને ડાકણ ઠેરવી તિરસ્કૃત કરવામાં આવતી હતી. અમુક ઘટનાઓમાં ધાર્મિક વિધિના નામે તેમના ઉપર માનસિક અને શારિરીક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જિલ્લામાં ચાલી રહેલ આવા જ બનાવો બનતા અટકાવવા તેમજ આ કુરિવાજને નેસ્તનાબુદ કરવા માટે, ડાંગ જિલ્લા પોલીસ દ્વારા “પ્રોજેકટ દેવી” શરૂ કરવામાં આવ્યો છે ડાંગ પોલીસ પ્રશાસનને તેમના સંવેદનાસભર ‘દેવી પ્રોજેકટ’ માટે ‘ગોલ્ડ સ્કોચ એવોર્ડ’ પ્રાપ્ત થયો છે. ડાંગ જિલ્લાના આ એવોર્ડસ, જિલ્લાના પ્રજાભિમુખ વહીવટના ઉત્તમ ઉદાહરણ તરીકે પ્રશંસા પ્રાપ્ત કરી રહ્યા છે.





