GUJARATKHERGAMNAVSARI

ખેરગામ વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકનારને પંચાયત હવે 2000નો દંડ ફટકારશે

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ ગ્રામ પંચાયત સ્વચ્છતા બાબતે વધુ સક્રિય બનતા ગામના જાહેર રસ્તાની બાજુમાં અમુક લોકો કચરો નાખી ગંદકી ફેલાવે છે એ જગ્યાઓ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું,તાજેતરમાં પંચાયત દ્વારા ગામમાં રીક્ષા ફેરવી લોકોને પોતાનો કચરો પંચાયતના ટ્રેકટરમાં જ નાખવા આપીલ કરાઈ હતી,અને જો કોઈ જાહેરમાં કચરો નાખતા ઝાડપશે તો 2000 રૂપિયાનો દંડ ફટકારવાની સૂચના અપાઈ હતી.22 ગામડા ધરાવતા તાલુકાનું મુખ્ય મથક ખેરગામ ગામમાં 16 વોર્ડ અને 20 હજારની આસપાસ વસ્તી ધરાવતા ખેરગામ વિસ્તારમાં વર્ષોથી ગ્રામ પંચાયત દ્વારા ગામના વિવિધ વિસ્તારમાં ટ્રેક્ટર ફેરવી કચરો ઉઠાવવાની સેવા ઉપલબ્ધ કરવામાં આવેલી છે,તેમ છતાં અમુક લોકો રસ્તાની બાજુમાં કચરો નાખી ગંદકી ફેલાવતા હોય છે.ગામના ચાર રસ્તા વલસાડ તરફ જતા રસ્તે તેમજ આછવણી રોડ ખડકીયા પાસેના વિસ્તારમાં ખૂબ કચરો ફેલાયેલો રહેતો હોય પંચાયત દ્વારા અનેક વખત ત્યાંથી કચરો ઉઠાવી જગ્યાને સાફ કરવામાં આવે છે.તાજેતરમાં સરપંચ ઝરણાબેન પટેલે ટીમ કામે લગાડી ગામના નવરોડ વલસાડ તરફ જતા રસ્તા ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જે અંતર્ગત જાહેર માર્ગની બાજુમાં રહેલો કચરો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવનારા સામે કાર્યવાહીના ભાગરૂપે પંચાયત દ્વારા ગામમાં શનિવારે રીક્ષા ફેરવી લાઉડસ્પીકર ઉપર સૂચના આપવામાં આવી હતી કે જાહેરમાં કચરો નાખતા કોઈપણ ઝડપાશે તો પંચાયત તેની પાસે 2000 રૂપિયા દંડ વસુલ કરશે.

 

 

Back to top button
error: Content is protected !!