Rajkot: ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’ના યાત્રિકોને સ્વાસ્થ્યની પરેજી રાખવાનો અનુરોધ કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૨૦/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
યાત્રિકોએ પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ગઢડીયા (જસ) ગામ ખાતે વિસામો લીધો
રૂ. ૦૧.૭૦ લાખના સી.આઇ.એફ. ફંડના ચેક અને શૌચાલય બનાવવા રૂ. ૧૨ હજારની સહાયનો ચેક અપાયો : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની સરાહનીય કામગીરી કરનારાં કર્મીઓનું સન્માન
Rajkot: ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ‘સર્વજન સુખાય, સર્વજન હિતાય’ની ભાવનાથી ઘેલા સોમનાથ મંદિરથી સોમનાથ મંદિર સુધી ૨૨૯ કિલોમીટર લાંબી ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’નું આયોજન કરાયું છે. મંત્રીશ્રીની આગેવાની હેઠળ યાત્રિકોએ તા. ૨૦ના રોજ ઘેલા સોમનાથ મંદિરથી પ્રસ્થાન કર્યું હતું. આ પદયાત્રા ઘેલા સોમનાથથી માધવીપુર થઈને ગોડલાધારથી ગઢડીયા (જસ) પહોંચી હતી, જ્યાં મંત્રીશ્રીએ આકાશી મેલડી માતા મંદિરના દર્શન કર્યા હતાં.
આ પ્રસંગે મંત્રીશ્રીએ યાત્રિકો પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશના નાગરિકોના હિતાર્થે ‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા’નો શુભારંભ થયો છે. ગ્રામીણ સંસ્કૃતિ ગુજરાત સહિત સમગ્ર દેશની ઓળખ સમાન છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર ‘વિકસીત ગુજરાત, થકી વિકસીત ભારત’ને સાર્થક કરવા આ પદયાત્રા નીકળી છે. જેમાં ઉત્સાહપૂર્વક જોડાવવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ યાત્રિકોને સ્વાસ્થ્યની પરેજી રાખવા અનુરોધ કરું છું.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે મહિલાલક્ષી અનેક યોજનાઓ અમલી કરી છે. સખી મેળા, સરસ મેળા, નારી સશક્તિકરણ મેળા જેવા મેળાઓમાં વેચાણ કરીને સખી મંડળની મહિલાઓ પગભર બની છે. સરકાર પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે કૃષિ સખી તરીકે કાર્યરત બહેનોની કામગીરી પ્રશંસનીય છે. ગ્રામીણ જનતા સરકારની યોજનાઓથી માહિતગાર થાય, તે માટે આ પદયાત્રા દરમિયાન સરકારી સેવાઓનો પ્રચાર કરશે.
આ પદયાત્રાના પ્રથમ દિવસે યાત્રિકોએ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ગઢડીયા (જસ) ગામ ખાતે વિસામો લીધો હતો. આ તકે માતાના મંદિર નજીક મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યાત્રિકોની સભા યોજાઈ હતી. જેમાં મંત્રીશ્રીના હસ્તે સન્માનપત્ર અને ફંડ-સહાયના ચેકનું વિતરણ કરાયું હતું. અહીં યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. ત્યારબાદ આ પદયાત્રા જસદણ શહેર ખાતે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની સરાહનીય કામગીરી કરવા બદલ બે કર્મચારી બહેનોને સન્માનપત્ર અપાયા હતાં. બે મિશન મંગલમ્ સ્વસહાય જૂથને કુલ રૂ. ૦૧ લાખ ૭૦ હજારના સી.આઇ.એફ. ફંડના ચેક અપાયા હતાં. તેમજ એક મહિલાને ઘરમાં શૌચાલય બનાવવા માટે રૂ. ૧૨ હજારની સહાયનો ચેક અપાયો હતો.
આ તકે વિંછીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થભાઈ પરમાર, તાલુકા લાઇવલીહૂડ મેનેજર શ્રી ભાવેશભાઈ રામાવત સહિત અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.





