
નર્મદા જિલ્લામાં SIR પ્રક્રિયાની સફળતાપૂર્વક અમલવારી, ડ્રાફ્ટ મતદાર યાદીમાં જિલ્લાના 4.34 લાખથી વધુ મતદારોનો સમાવેશ
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અમલમાં મુકાયેલ મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ (Special Intensive Revision – SIR) અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, નાંદોદ વિધાનસભા બેઠક નં. 148 તથા ડેડીયાપાડા વિધાનસભા બેઠક નં. 149માં ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ તૈયાર કરવાની કામગીરી 92.56 ટકા સુધી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 4,69,487 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 4,34,553 મતદારો (92.56%)નો સમાવેશ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કરવામાં આવ્યો છે.
જિલ્લામાં કુલ મતદારોમાંથી 34,934 મતદારો (7.44%)ને અનકલેક્ટેબલ કેટેગરીમાં નોંધવામાં આવ્યા છે. તેમાં 13,906 (2.96%) મતદારોના મૃત્યુ થયેલ હોવાનું, 3,729 (0.79%) સ્થળાંતર કરેલા, 14,374 (3.06%) કાયમી સ્થળાંતર કરેલા, 2,208 (0.47%) ડુપ્લિકેટ નોંધણી ધરાવતા તેમજ 717 (0.15%) મતદારો અન્ય કારણોસર સમાવિષ્ટ હોવાનું જણાવાયું હતું.
ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થયા બાદ જિલ્લામાં BLO તથા BLA દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી, મીટિંગ પ્રોસીડિંગ્સ જાહેર કરવામાં આવ્યા છે.
મતદાર યાદી સામે દાવો–આક્ષેપ નોંધાવવા માટે નક્કી કરાયેલ સમયમર્યાદા દરમિયાન, ERO તથા AERO દ્વારા ચૂંટણી પંચના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને પ્રાપ્ત તમામ અરજીઓનું સમયસર અને ન્યાયસંગત નિરાકરણ લાવવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ કલેક્ટર પરસજીત કૌંર, ઈન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિધુ ખૈતાન, નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલ, જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા




