
રાજપારડીની પાણીની પ્રજ્ઞા પરબ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, 536 વિદ્યાર્થીઓએ 24 કૃતિઓ રજૂ કરી શાળાનું ગૌરવ વધાર્યું














ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલી પાણીની પ્રજ્ઞા પરબ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ સાથે સંસ્કાર આપતી શાળાની પરંપરાને અનુરૂપ આ કાર્યક્રમ ખૂબ સુવ્યવસ્થિત અને પ્રશંસનીય રહ્યો હતો.
આ કાર્યક્રમમાં બાળવાટિકા અને નર્સરીના નાના ભૂલકાઓથી લઈને ધોરણ 12 સાયન્સ સુધીના શાળાના કુલ 536 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કુલ 24 જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેના કારણે શાળાનું માન અને ગૌરવ વધ્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ બાળગીત ડાન્સ, ભાંગડા ડાન્સ, આદિવાસી નૃત્ય, દાંડિયા, ગરબા, જોકર તેમજ “મે યોધ્ધા બન ગઈ” જેવી વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. અલગ અલગ વેશભૂષા અને આત્મવિશ્વાસભરી રજૂઆતોને કારણે કાર્યક્રમ ખૂબ આકર્ષક બન્યો હતો.
આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના પુત્ર રોનકભાઈ વસાવા તેમજ ઝઘડિયાના ધારાશાસ્ત્રી રોહિતભાઈ શાહ, નરેશ સાહેબ ભાર્ગવ ભાઈ સહિત અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા સંચાલક અનિતાબેન, શાળાના આચાર્ય પરમાર મિનલબેન તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદ, સંસ્કૃતિ અને શાળાના ગૌરવથી ભરપૂર રહ્યો.
ઈરફાન ખત્રી
રાજપારડી




