
નર્મદા : ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એકતાનગર ખાતે યોજાયેલા ત્રી-દિવસિય ‘સશક્ત નારી મેળા’નું સમાપન
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સામે બસ બે નજીક આવેલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રી-દિવસિય ‘સશક્ત નારી મેળા – 2025-26’ નું આજે ગૌરવસભર અને ઉત્સાહભર્યા માહોલમાં સમાપન થયું હતું.
આ સશક્ત નારી મેળામાં 50 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેમાં તમામ સ્ટોલનું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કુટિર તથા ગ્રામ ઉદ્યોગ, વન અને પર્યાવરણ, સ્વ-સહાય જૂથો, એન.આર.એલ.એમ સહિત વિવિધ વિભાગો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નોનું ઉત્તમ ઉદાહરણ આ મેળામાં જોવા મળ્યું. મેળામાં આશરે 200 થી 300 મહિલાઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલી અમદાવાદની હિયા શાહે આ મેળાની મુલાકાત અંગે પોતાના અનુભવો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “હું અહીં સ્ટોલ પર ફરી, ત્યાં ચણા અને કેરીના ઉત્પાદનોના સ્ટોલ જોયા અને ત્યારબાદ નેચરલ આઈસ્ક્રીમના સ્ટોલ પરથી સ્ટ્રોબેરી કુલ્ફી લીધી, જે ખૂબ જ સ્વાદિષ્ટ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ ઊંચી છે અને મેં લેસર શો તથા નર્મદા આરતીનો પણ લાભ લીધો હતો. અહીં આવીને ખૂબ આનંદ થયો છે. ”
આદિમ જૂથની મહિલાઓ દ્વારા વાંસ આધારિત હસ્તકલા કાર્ય કરતી કોટવાળીયા રમીલાબેન રમેશભાઈએ જણાવ્યું હતું કે, “અમે વાંસમાંથી ટોપલી, ટોપલા, છાબડી, સુપડા, વાળમાં લગાવવાની પિન, અરીસા સહિતની વિવિધ વસ્તુઓ જાતે બનાવીને ઘરેથી તેમજ સરકાર દ્વારા આયોજિત મેળાઓમાં વેચાણ કરીએ છીએ. આ ત્રણ દિવસીય મેળામાંથી અમને સારો નફો થયો છે, જેના માટે અમે સરકારનો આભાર માનીએ છીએ.”



