છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકામાં આજે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. કુલ અંદાજે રૂ. 14 કરોડ 25 લાખના ખર્ચે અમલમાં મુકાનારા છ વિકાસકાર્યોનું ભૂમિપૂજન છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવાના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા, માજી છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ બારીયા, કદવાલ પંચાયતના સરપંચ રુજલીબેન રાઠવા તેમજ રાઠવા નરેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગ્રઢભીખાપુરા થી રાજપુર સુધીના 3 કિલોમીટરથી વધુ લાંબા ડામર રોડના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગનું નિર્માણ અંદાજે રૂ. 2 કરોડ 91 લાખના ખર્ચે થનાર છે. રોડના કામથી સ્થાનિક નાગરિકો, ખેડૂતો તથા વિદ્યાર્થીઓ માટે અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે.
આ વિકાસકાર્યોના ભૂમિપૂજન પ્રસંગે કદવાલ તાલુકાના વિવિધ ગામોના નાગરિકો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિસ્તારના વિકાસ માટે શરૂ થનાર આ કામોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થવાની આશા સાથે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.