મોરબી મહાનગરપાલિકા એ એક વર્ષમાં કરેલા કાર્યોનો અહેવાલ રજૂ કર્યો

વર્ષ ૨૦૨૫ ના પ્રથમ જ દિવસે શહેરી વિકાસને વધુ વેગમાન બનાવવા સરકારે ૦૯ મહાનગરપાલિકાઓની રચના કરી અને આ ક્રાંતિકારી પરિવર્તનના મોરબીવાસીઓ લાભાર્થી બની શક્યા અને મોરબીને પણ મહાનગરપાલિકાની ભેટ મળી. લોકકલ્યાણના સરકારના એ વિઝનને સાકારીત કરવા મોરબી મહાનગરપાલિકાએ આ એક વર્ષ દરમિયાન મોરબી શહેરમાં વહીવટી સરળતા, માળખાકીય સુવિધાઓ અને જન સુખાકારીના ક્ષેત્રે સતત દુરોગામી પરિવર્તનો કર્યા છે અને સતત કર્યાં છે અને આગામી સમયમાં આજ ગતિથી કામગીરી ચાલુ રહેશે.
મોરબી શહેરના પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક આદર્શ રોડ મેપ તૈયાર કર્યો છે અને આ રોડ મેપ પર નવા નવા જન સુવિધાના કામો કરવામાં આવી રહ્યા છે.
મોરબીમાં આકાર પામી રહેલા રોડના કામો અન્વયે ૧૦.૩૮ કરોડના ખર્ચે ૮.૮ કિમી લંબાઈના ૧૩ રોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. ૩૨.૯૪ કરોડના ખર્ચે ત્રણ વાઇટ ટોપીંગ રોડ પણ નિર્માણ પામનાર છે, જેમાં એસ.પી.રોડ અને ચક્કર રોડ સામેલ છે. ૩૩.૮૮ કરોડના ખર્ચે ૯.૮ કિમીના રોડના ૧૩ કામો પ્રગતિ હેઠળ છે, જેમાં નાની કેનાલનો આઈકોનિક રોડ, આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર રોડનો સમાવેશ થાય છે. ઉપરાંત ૫૫ કરોડથી વધુના ખર્ચે ૯ જેટલા રોડના કામો આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે, જેમાં લીલાપર રોડનું વાઇડનીંગ, નટરાજ ફાટકથી અરૂણોદય સર્કલનો આઈકોનીક રોડ સહિતના રોડ સામેલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૧.૨૦ કરોડનાં ખર્ચે ૦૮ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં વીસી ફાટકથી અમરેલી રોડ અને નઝરબાગ ફાટકથી ભડિયાદ રોડનું કામ હાથ ધરવામાં આવનાર છે.

મોરબી શહેરમાં અંદાજીત ૧.૩૭ કરોડના ખર્ચે ભૂગર્ભના ૧૪૮૦ મીટરના જુદા જુદા ૩ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં ૨.૯૬ કરોડના ખર્ચે ૩૫૦૦ મીટરના ૬ કામો હાથ ધરવામાં આવનાર છે. લાતી પ્લોટ વિસ્તારમાં ૮૭૪૧ મીટર સ્ટ્રોંમ વોટર લાઈનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ૫.૩૭ કરોડોના ખર્ચે લાતી પ્લોટમાં ડ્રેનેજ લાઈન, ૬૩.૪૪ કરોડના ખર્ચે જુદી જુદી ૧૧ જગ્યા પર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ લાઇન નાખાવની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ખુલ્લી ગટરને અંડર ગ્રાઉન્ડ કવર કરવા તબક્કા ૧ માં નગર દરવાજા અને દરબાર ગઢ વિસ્તાર (જુના મોરબી) માં ૧૧.૮૪ કરોડના ખર્ચે ડ્રેનેજની કામગીરી કરવામાં આવશે તથા તબક્કા ૨ માં લાયન્સ નગર, મહેન્દ્રપરા, માધાપર વગેરે વિસ્તારમાં ૧૦.૧૦ કરોડના ખર્ચે ખર્ચે ડ્રેનેજની કામગીરી કરવામાં આવશે. ૧૬.૫૩ કરોડના ખર્ચે ભૂગર્ભના પંપીંગ સ્ટેશન અને એસટીપી સાથે જોડવાના કામો આયોજનમાં મુકવામાં આવ્યા છે. ૫.૪૫ કરોડના ખર્ચે ૨ વર્ષ માટે ભૂગર્ભગટરના મહાનગર પાલિકાનાં હદના જુદા જુદા ૧૨ પમ્પીંગ સ્ટેશનની મરામત અને નિભાવણી કરવામાં આવશે. જીયુડીસી (ભૂગર્ભ ગટર યોજના) અન્વયે જુદી જુદી ૧૨૦ વાડી વિસ્તારમાં ૫૨ કિમી લાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
૧૫.૫૭ કરોડના ખર્ચે પંચાસર વિસ્તારમાં વોટર નેટવર્કનું કામ, ૨૧.૧૫ કરોડના ખર્ચે સરદારબાગ વિસ્તારમાં વોટર નેટવર્કનું કામ, ૯.૩૬ કરોડના ખર્ચે વીસીપરામાં વોટર નેટવર્કનું કામ તથા ૩.૪૪ કરોડના ખર્ચે રણછોડનગર વિસ્તારમાં વોટર નેટવર્કનું કામ પ્રગતિ હેઠળ છે. ૧૯.૯૯ કરોડના ખર્ચે મચ્છુ ૨ ડેમ ખાતે ૧૫૦ ઇન્ટેક વેલનું કામ, તથા ૪૦.૪૭ કરોડના ખર્ચે પાનેલી તળાવ પાસે ૨૫ એમએલસી વોટર ટ્રીટમેન્ટ પ્લાનનું કામ હાથ ધરવામાં આવનાર છે. નલ સે જલ હેઠળ જુદી જુદી ૧૨૦ વાડી વિસ્તારમાં પીવાના પાણીની ૫૧ કિમી લાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ૨ સેનેટરી ઇન્સ્પેક્ટર, ૧૧ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તથા ૨૦૦ સફાઈ કામદારની ભરતી કરવામાં આવેલ. તથા તમામ सार्ध महाशेने PPE(Reflective Jacket, Gloves, Mask & Gum Boot) kit તથા Cleaning Equipment (બ્રશ, સાવરણા, સુપડી તથા હેન્ડકાર્ટ)નું વિતરણ કરવામાં આવેલ. નાની વાવડી મેઈન રોડ ખાતે આઇકોનિક રોડ તથા ૧૭GVP પોઈન્ટને દુર કરી બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવેલ. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ લાલપર તથા રફાળેશ્વર ડમ્પ સાઈટ પર એકત્ર થયેલ ૨,૩૫,૬૬૧ ટન લેગસી વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો છે. સફાઇની કામગીરી માટે ૮ ટ્રેક્ટર, ૨ બેક હો લોડર અને ૨ ફ્રન્ટ હો લોડર કાર્યરત કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં ૧૦૦% ડોર ટુ ડોર ક્લેક્શન તથા તેનું ડીજીટલ મોનિટરીંગ કરવામાં આવે છે. શહેરી વિસ્તારમાં આવેલ અંદાજીત ૨૨ નાલા સફાઈની કામગીરી કરવામાં આવેલ. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ તથા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના ભંગ બદલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રકમ રૂ. ૨૧,૮૧,૮૯૦/- દંડ વસુલ કરવામાં આવેલ. શહેરમાં ૫ નવા જાહેર શૌચાલયનું નિર્માણ પણ કરવામાં આવનાર છે.
શહેરને સુશોભિત કરવા ૨૪૦ જેટલી વિવિધ દીવાલો પર વોલ પેઇન્ટિંગનું કામ, શહેરના પ્રવેશ દ્વાર સમાન ૩ બ્રિજ- માળિયા ફાટક, ભક્તિનગર સર્કલ અને ત્રાજપર ચોકડી પર પેઇન્ટિંગનું કામ તથા શહેરી વિસ્તારમાં શંકર આશ્રમ અને કેસર બાગમાં બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. તથા શહેરી વિસ્તારમાં ૩ RRR સેન્ટર ઉભા કરવામાં આવેલ.
મોરબીના લોકોને ફરવા લાયક સારા સ્થળો મળી શકે તે માટે ૧.૦૩ કરોડના ખર્ચે સરદારબાગનું આધુનિકરણ કરવામાં આવ્યું છે. ૧૨ કરોડના ખર્ચે સનાળા લેક બ્યુટીફિકેશન કરવામાં આવનાર છે. ૩.૬૧ કરોડના ખર્ચે કેસર બાગનું નવીનીકરણ, ૨.૪૭ કરોડના ખર્ચે શંકર આશ્રમ નું નવીનીકરણ, ૨.૧૫ કરોડના ખર્ચે સૂરજબાગનું નવીનીકરણ પ્રગતિ હેઠળ છે. ૨.૪૦ કરોડના ખર્ચે જન કલ્યાણ નગર ગાર્ડન, ૭૫ લાખના ખર્ચે ભક્તિનગર ગાર્ડન તથા મોહન બાગ બનાવવામાં આવનાર છે.
ફાયર વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ્ય બનાવવા અને જનસુરક્ષા માટે મોરબીમાં ૧૨.૮૭ કરોડના ખર્ચ નવા સાત ફાયર વહીકલની ખરીદી કરવામાં આવી છે જે ટૂંક સમયમાં ડીલીવર થશે. ઉપરાંત ૧૩.૭૮ કરોડના ખર્ચે મહેન્દ્રનગર ખાતે મોડલ ફાયર સ્ટેશન સાથે ૧૫ કરોડના ખર્ચે અમરેલી, ૧૧.૩૦ કરોડના ખર્ચે શનાળા તથા ૧૦.૦૪ કરોડના ખર્ચે એસપી રોડ પર નવા ફાયર સ્ટેશનના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ છે તથા ૧.૧૫ કરોડના ખર્ચ સુધારા શેરી ખાતે હયાત ફાયર સ્ટેશનનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત ફાયર અવેરનેસ, ટ્રેનિંગ, પીરીયોડીક ઇન્સ્પેક્શન સહિતની કામગીરી નિયમિત કરવામાં આવે છે.
લોકોની વહીવટી સરળતા માટે મહાનગરપાલિકાની વેબસાઇટ તથા મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તથા ટેક્સ ભરવાની સરળતા હેતુ ૧૧ નવા ટેક્સ કલેક્શન સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. વેબસાઇટ તથા મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ૬,૫૭૭ અરજદારોએ ઓનલાઈન ટેક્સ ભરવાની સુવિધાનો લાભ લીધો છે. વેબસાઈટ દ્વારા ઓનલાઈન નામ ટ્રાન્સફર ૫૫ જેટલા અરજદારોએ લાભ લીધો છે. જાન્યુ-૨૦૨૪ થી ડિસે-૨૦૨૪ સુધી ૧૮,૧૫,૮૩,૮૩૮ નો ટેક્સ વસુલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા બનતા ૦૧-૦૧-૨૦૨૫ ૧૮-૧૨-૨૦૨૫ સુધીમાં ૩૧,૨૨,૭૫,૬૩૫ નો ટેક્સ વસુલવામાં આવ્યો છે.
૫ કરોડના ખર્ચે ગ્રીન ટાવરનું આધુનિકીકરણ કરવામાં આવનાર છે. ૧૫ કરોડોના ખર્ચે નેહરુ ગેટથી દરબાર ગઢ સુધી હેરિટેજ પથ બનાવવામાં આવ્યા છે તથા ૫ કરોડના ખર્ચે લોહાણાપરા શાકમાર્કેટનું પુનઃ વિકાસ હાથ ધરવામાં આગામી સમયમાં પંચાસર રોડ ખાતે ૧.૫ કરોડના ખર્ચે ડોગ સેન્ટર બનાવવામાં આવનાર છે. ૧.૪૩ કરોડના ખર્ચે રખડતા પશુઓ માટે નંદીગઢ ફરીથી કાર્યરત કરવામાં આવનાર છે. શહેરમાં ૧.૨૯ કરોડના ખર્ચે નાનીવાવડી તથા ૧.૩૧ કરોડના ખર્ચે સબજેલ એમ ૨ સ્થળો પર નવી એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવનાર છે. રખડતા કુતારોનું રસીકરણ તથા ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
દિવાળી નિમિતે મયુર બ્રીજ પર શહેરીજનો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેસર બાગ ખાતે પરંપરાગત રમતો માટે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આગામી દિવસોમાં મસ્તી સ્ટ્રીટ, પુસ્તક મેળો, ઓલ મોરબી કેરમ સ્પર્ધા, પ્રજાસત્તાક દિનની ઉજવણી, પતંગોત્સવ સહિતના આયોજન હાથ ધરવામાં આવનાર છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ નું બજેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ બજેટમાં જન ભાગીદારી સુનિશ્ચિત કરવા મોરબી મહાનગર પાલિકા દ્વારા આજરોજ એક ક્યુઆર કોડ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ સાથે મોરબી મહાનગર પાલિકાની વેબસાઈટમાં પણ નાગરીકો પોતાના બજેટ લક્ષી સૂચનો આપી શકશે. જેનાથી મોરબી મહાનગર પાલિકાનું બજેટ લોકલક્ષી લોકોની સમસ્યાઓને દુર કરવા માટેનું અને જનભાગીદારી સાથેનું બજેટ બનાવી શકાય.
લોકોની સુખાકારી અને સુવિધા માટે મોરબી મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે આગામી સમયમાં મોરબી વાસીઓ માટેની સવલતો બાબતે ખૂટતી કડીઓ પર કામ કરી મોરબીને વધુ સુવિકસિત અને આયોજન બદ્ધ શહેર બનાવવા મોરબી મહાનગરપાલિકા કટિબદ્ધ છે.’






















