ઈલેક્ટ્રોનિક્સની નિકાસમાં વાર્ષિક ધોરણે નોંધપાત્ર ૩૮%નો વધારો…!!
વર્તમાન નાણાં વર્ષ દરમિયાન એપ્રિલથી નવેમ્બર સુધીના પ્રથમ આઠ મહિનામાં દેશની ઈલેક્ટ્રોનિક્સ સામાનની નિકાસમાં વાર્ષિક ધોરણે નોંધપાત્ર ૩૮ ટકાનો વધારો થયો છે અને આ આંક ૩૧ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર કુલ ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં સ્માર્ટફોનનો હિસ્સો આશરે ૬૦ ટકા રહ્યો છે. દેશની ટોચની ૩૦ મુખ્ય નિકાસ ચીજવસ્તુઓમાં ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની નિકાસ સૌથી ઝડપી ગતિએ વધી રહી છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં કુલ ૭૯.૭૦ અબજ ડોલર સાથે એન્જિનિયરિંગ માલસામાન નિકાસમાં પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે ૩૭.૯૦ અબજ ડોલર સાથે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બીજા ક્રમે અને ૩૧ અબજ ડોલર સાથે ઈલેક્ટ્રોનિક્સ માલસામાન ત્રીજા ક્રમે રહ્યું છે. ગયા નાણાં વર્ષ ૨૦૨૫ના સમાન ગાળામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ ૪૪.૫૮ અબજ ડોલર હતી અને ઈલેક્ટ્રોનિક્સ માલસામાનની નિકાસ ૨૨.૫૦ અબજ ડોલર રહી હતી. તેની સરખામણીમાં વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસમાં ૧૪.૭૦ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ઈલેક્ટ્રોનિક્સ નિકાસ મૂલ્યમાં આશરે ૪૦ ટકાનો વધારો થયો છે.
આ પરિસ્થિતિને કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને ઈલેક્ટ્રોનિક્સ નિકાસ વચ્ચેનું અંતર સતત ઘટતું જઈ રહ્યું છે. વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ઈલેક્ટ્રોનિક્સની નિકાસ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને પાછળ મૂકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્તમાન વર્ષના નવેમ્બર મહિનામાં માત્ર ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં જ ૩૯ ટકાનો વધારો થયો હતો અને તે ૪.૮૧ અબજ ડોલર સુધી પહોંચી હતી. ઉપરાંત, વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં દેશની ટોચની ૩૦ નિકાસ આઈટમ્સમાંથી ૧૭માં વધારો નોંધાયો છે, જ્યારે ૧૩ આઈટમ્સની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે.


