ક્રિપ્ટો બજારમાં સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારીમાં સતત વૃદ્ધિ…!!

પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ દેશના ક્રિપ્ટોકરન્સી બજારમાં સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મુડરેકસ, ઝેબપે અને કોઈનસ્વિચ જેવા દેશી ક્રિપ્ટો એક્સચેન્જોમાં વર્તમાન વર્ષ દરમિયાન રોકાણમાં અંદાજે ૩૦ થી ૫૦%નો વધારો નોંધાયો છે. આ એક્સચેન્જોમાં થતા કુલ ટ્રેડિંગ વોલ્યુમમાં સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો હવે વધુ મજબૂત બનતો જઈ રહ્યો છે.
વૈશ્વિક સ્તરે કાર્યરત બિનાન્સ એક્સચેન્જમાં પણ ૨૦૨૫ દરમિયાન સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી ૨૦૨૪ની સરખામણીએ આશરે ૧૪% વધેલી જોવા મળી છે. ક્રિપ્ટો માર્કેટમાં સંસ્થાકીય રોકાણકારોમાં હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ (એચએનઆઈ), અલ્ટ્રા એચએનઆઈ અને કોર્પોરેટ સંસ્થાઓનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ભારતમાં ક્રિપ્ટો બજારમાં નિયમન સંબંધિત અનિશ્ચિતતા હોવાને કારણે સેબી દ્વારા નિયંત્રિત સંસ્થાકીય રોકાણકારો હજુ સુધી ક્રિપ્ટોકરન્સીમાં વેપારથી દૂર રહ્યા છે.
દેશમાં ક્રિપ્ટો અપનાવાની પ્રક્રિયા હજી શરૂઆતના તબક્કામાં હોવાથી એચએનઆઈ રોકાણકારો તેમના કુલ પોર્ટફોલિયોમાંથી માત્ર ૨થી ૫ ટકા હિસ્સો જ ક્રિપ્ટોકરન્સીમાં મૂકે છે, તેમ એક રિપોર્ટમાં જણાવાયું છે. દેશી એક્સચેન્જોમાં મોટા ભાગનો વેપાર બિટકોઈન, એથેરિયમ, સોલાના અને રિપલ જેવા ઊંચી લિક્વિડિટી ધરાવતા ક્રિપ્ટો કોઈન્સમાં કેન્દ્રિત જોવા મળે છે.


