
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના ઝડપી વિસ્તરણ અને ઊર્જા-સઘન પ્રોસેસિંગની વધતી જરૂરિયાતને પગલે વિશ્વભરમાં ડેટા સેન્ટરોની માંગમાં તેજી આવી છે. ૨૦૨૫ દરમિયાન ડેટા સેન્ટર ક્ષેત્રના સોદાઓ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે. એસ એન્ડ પી ગ્લોબલના આંકડા મુજબ આ વર્ષે ડેટા સેન્ટર સેક્ટરમાં કુલ રોકાણ ૬૧ અબજ ડોલરથી વધુ રહ્યું છે, જ્યારે ૨૦૨૪માં આ આંકડો અંદાજે ૬૦.૮ અબજ ડોલર હતો. આ વૃદ્ધિ એવા સમયગાળામાં જોવા મળી છે જ્યારે રોકાણકારો એઆઈ કંપનીઓના ઊંચા મૂલ્યાંકન અને ડેટા સેન્ટરો માટે ભારે ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા અંગે ચિંતિત છે.
નવેમ્બર મહિનામાં વૈશ્વિક શેરબજારોમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે રોકાણકારોમાં એઆઈ બૂમ ફુટવાની ભીતિ ઉભી થઈ હતી. ડેટા સેન્ટરોમાં નોંધાયેલા રેકોર્ડ સ્તરના રોકાણમાં દેવા આધારિત ભંડોળે મહત્વની ભૂમિકા ભજવી છે. મોટા ટેક દિગ્ગજો હવે ખર્ચાળ ઇન્ફ્રાસ્ટ્રકચરને પોતાની બેલેન્સશીટ પરથી ફંડ કરવાની જગ્યાએ ખાનગી ઇક્વિટી અને ડેટ માર્કેટ્સનો સહારો લઈ રહ્યા છે. આ વલણે ડેટા સેન્ટરોમાં વપરાતી અદ્યતન ટેકનોલોજીના વાસ્તવિક મૂલ્ય અંગે પ્રશ્નો ઊભા કર્યા છે અને કેટલાક રોકાણકારોમાં ચિંતા વધી છે.
મિશિગનમાં ૧૦ અબજ ડોલરના ડેટા સેન્ટર પ્રોજેક્ટ માટે બ્લુ આઉલ કેપિટલ દ્વારા ફંડિંગ નકારવામાં આવતા ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર ઓરેકલના શેરમાં તીવ્ર દબાણ જોવા મળ્યું હતું. એસ એન્ડ પી ગ્લોબલ મુજબ ૨૦૨૫ના પ્રથમ ૧૧ મહિનામાં ૧૦૦થી વધુ ડેટા સેન્ટર સોદાઓ થયા હતા, જેમનું કુલ મૂલ્ય ૨૦૨૪ની તુલનામાં વધારે રહ્યું છે. આમાંથી મોટાભાગના સોદા અમેરિકામાં થયા હતા, જ્યારે એશિયા-પેસિફિક વિસ્તાર બીજા ક્રમે રહ્યો હતો.
આઈએનજીના અંદાજ મુજબ અમેરિકા ખાતે ડેટા સેન્ટર રોકાણ યુરોપ કરતાં પાંચ ગણું વધારે થઈ શકે છે. સાથે સાથે ગલ્ફ દેશો પણ પોતાને વૈશ્વિક એઆઈ હબ તરીકે વિકસાવવા માટે ઝડપી ગતિએ રોકાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૫ દરમિયાન કુલ દેવું જારી કરવાનો આંકડો ૧૮૨ અબજ ડોલર સુધી પહોંચ્યો છે, જે ગત વર્ષે ૯૨ અબજ ડોલર હતો. મેટા, ગૂગલ અને એમેઝોન જેવી અગ્રણી કંપનીઓ પણ દેવા આધારિત ફંડિંગ તરફ વળી રહી છે. નિષ્ણાતોના મતે ૨૦૨૬માં ડેટા સેન્ટર સેક્ટરમાં મર્જર અને એક્વિઝિશન પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી મૂલ્યાંકન વધુ ઊંચા સ્તરે જઈ શકે છે.


