ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બાયપાસ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
ભરૂચ શહેરમાં અવારનવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા,બૌડા અને પ્રાંત કચેરીની સંયુક્ત ટીમ દ્વારા જંબુસર બાયપાસથી મહોમદપુરા સુધીના માર્ગ પર દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન જેસીબી અને ટ્રેક્ટર સાથે પહોંચેલી દબાણ ટીમે કાચા-પાકા દબાણો દૂર કર્યા હતા.લારી-ગલ્લાવાળાઓમાં દોડધામ મચી હતી,જ્યારે અમુક દબાણકારોને બે દિવસમાં જાતે જ દબાણ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી.
બીજી તરફ,દબાણકાર વેપારીઓએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે,અવારનવાર લારી- ગલ્લા હટાવાતા હોવાના કારણે વેપાર પર પ્રતિકૂળ અસર પડે છે. તેમણે પાલિકા પાસે રોડની સાઈડમાં એક તરફ નિર્ધારિત જગ્યા ફાળવવા ની માંગ કરી હતી અને તે બદલ મહિને અથવા રોજનું ભાડું ચૂકવવા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું, જેથી વારંવાર પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે.
આ દબાણ હટાવ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી મનીષા મનાણી, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.




