
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ તાલુકામાં ચાલી રહેલા વિકાસકામોની સંપૂર્ણ તથા સાચી માહિતી મેળવવા બાબતે તાલુકા પંચાયત કચેરી દ્વારા સતત અધૂરી વિગતો અને અસપષ્ટ જવાબો આપવામાં આવતા અંતે તાલુકા પંચાયત સભ્ય શ્રી સુભાષભાઈ પટેલને તાલુકા પંચાયત કચેરી ખાતે અનશન પર બેસવાની ફરજ પડી હતી.
ખાસ કરીને નાંધઈ ગામમાં સ્ટ્રીટ લાઈટના કામ તેમજ ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક નિર્માણ પામેલી પ્રોટેક્શન વોલ માત્ર ચાર મહિનામાં જ તૂટી જવા જેવી ગંભીર ઘટનાઓ અંગે વારંવાર રજૂઆત છતાં સંબંધિત વિભાગ દ્વારા સંતોષકારક માહિતી આપવામાં ન આવતા અનેક પ્રશ્નો ઊભા થયા હતા.
આ અનશનને ટેકો આપવા માટે તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી શશિનભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્યો શ્રીમતી વિભાબેન પટેલ, શ્રીમતી નિલમબેન પટેલ, શ્રીમતી મમતાબેન પટેલ, તેમજ શ્રી ધર્મેશભાઈ બહેજ, પુરવભાઈ નેહલ, ધર્મેશ ઠાકોરભાઈ પટેલ સહિત કોંગ્રેસના અનેક આગેવાનો તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે ખેરગામ તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વિકાસકામોના કોન્ટ્રાક્ટ પોતાના નામે લઈ તેને પેટા કોન્ટ્રાક્ટરોને સોંપવાની પ્રથા ચાલી રહી છે. પરિણામે કામોની યોગ્ય દેખરેખ થતી નથી, ગુણવત્તામાં ઘટાડો થાય છે અને સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેના કારણે ભ્રષ્ટાચાર વધતો જઈ રહ્યો છે.
આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા તા. 26/12/2025ના રોજ બાકી રહેલી તમામ વિગતો લેખિતમાં આપવામાં આવશે તેવી સ્પષ્ટ બાહેધરી આપવામાં આવતા તાલુકા પંચાયત સભ્ય શ્રી સુભાષભાઈ પટેલે અનશન સમાપ્ત કર્યું હતું.
કોંગ્રેસ પક્ષ તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી સમયમાં વિકાસકામોની સંપૂર્ણ વિગતો જાહેર નહીં કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને પ્રતિનિધિઓ સામે કાર્યવાહી નહીં થાય તથા ગુણવત્તાવાળા કામો નહીં થાય, તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ખેરગામ તાલુકામાં ચાલી રહેલો ખુલ્લો ભ્રષ્ટાચાર હવે સહન કરવામાં આવશે નહીં.



