
મહેસાણાના કડીમાં ચંપાબા ટાઉનહોલ ખાતે યોજાયેલા APMCના એક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના નવા સંગઠનની જાહેરાત પહેલા કટાક્ષ કરી છે. તેમણે જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, ‘હવે બધાને ખબર પડી ગઈ છે કે, ગોરખધંધા કરવાના અને ઉપરથી ભાજપનો પટ્ટો લગાવવાનો. આમ હવે લોકો છેતરાતા નથી. ગાડી પર ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ન બનાય.’ તમને જણાવી દઈએ કે, અગાઉ નીતિન પટેલે ધર્માંતરણ પર આપેલા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો હતો.
કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલે કહ્યું કે, ‘ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે ન ચાલે. છેલ્લા 10 વર્ષમાં માત્ર પક્ષની જાહોજલાલી જોઈ છે, સંઘર્ષ જોયો નથી. બધાને સત્તા જોઈએ છે. કોઈના હોદ્દા પર આવી જવાથી આખો પક્ષ ચાલે એવું ન બને. લોકોમાં હવે સહકાર આપવાની ભાવના રહી નથી. આમ કશુ ન કરો તો એકબીજાને નડવાનું બંધ કરો…’




