GUJARAT:આર્યોદય મિલના 3228 કર્મચારીને આખરે વળતર મળશે, ગુજરાત હાઈકોર્ટનો હુકમ

GUJARAT:આર્યોદય મિલના 3228 કર્મચારીને આખરે વળતર મળશે, ગુજરાત હાઈકોર્ટનો હુકમ
5 મે, 1989માં બંધ પડી ગયેલી આર્યોદય સ્પિનિંગ મિલના 3288 કામદારોને આજે 36 વર્ષ બાદ તેમના વળતરના નાણા ચૂકવવાનો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ મોના ભટ્ટે આદેશ કર્યો છે. કરમની કઠણાઈ તો એ છે કે આર્યોદય સ્પિનિંગ મિલના 60 ટકાથી વધુ કામદારો આજે હયાત જ નથી. જોકે તેમના સ્વજનોને આ નાણાની ચૂકવણી કરવામાં આવશે. તેમને ગ્રેચ્યુઈટી, રિન્ટ્રેન્ચમેન્ટ અને પગારના નાણા ચૂકવવામાં આવશે. સમય જતાં સાડા ત્રણ દાયકાના વિલંબ બદલ તેમને વ્યાજ પણ ચૂકવવામાં આવશે એમ કેસ સાથે સંકળાયેલા એડવોકેટનું કહેવું છે.
ત્યારબાદ આર્યોદય સ્પિનિંગ મિલની જમીનનો વિવાદ થતાં સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આમ સાડા ત્રણ દાયકા બાદ આર્યોદય સ્પિનિંગ મિલના કામદારોને તેમના બાકી વળતરના નાણા મળવાનો માર્ગ મોકળો થયો છે. ગુજરાત હાઈકોર્ટે લિક્વિડેટરને ફંડ વિતરીત કરી દેવાનો આદેશ આપ્યો છે. સિક્યોર્ડ ક્રેડિટર તરીકે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને પણ રૂ. 9.33 કરોડ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
અગાઉ આર્યોદય સ્પિનિંગ મિલના પ્લાન્ટ, મશીનરી અને બિલ્ડિંગ વેચાયા તે વખતે મળેલા રૂ. 27 કરોડમાંથી રૂ. 1.81 કરોડ કામદારોને ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ આર્યોદય સ્પિનિંગ મિલની જમીન અંગે વિવાદ થયો હતો. આ વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો. 2016માં સુપ્રીમ કોર્ટે જમીનના વિવાદનો ઉકેલ આપ્યા પછી આર્યોદય સ્પિનિંગ મિલના કામદારોના નાણા મળવાનો માર્ગ મોકળો થયો હતો.
2016ના સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી આર્યોદય સ્પિનિંગ મિલની જમીન વેચવા માટે દસ વાર જાહેરાત આપવામાં આવી હતી. ત્યારબાદ 24મી ઑક્ટોબર 2025ની આર્યોદય સ્પિનિંગની 56000 ચોરસ મીટર જમીનનો રૂ. 82 કરોડમાં સોદો પડ્યો હતો. આ જમીનની અપસેટ વેલ્યુ રૂ. 70 કરોડની મૂકવામાં આવી હતી. આ સોદો પડ્યા પછી કામદારોના ગ્રેચ્યુઈટી, પગાર અને રિન્ટ્રેન્ચમેન્ટના નાણા માટે દાવો કરવામાં આવ્યો હતો. આ લેણા અંદાજે રૂ. 27 કરોડના થતા હતા. તેમાંથી અગાઉ ચૂકવવામાં આવેલા રૂ. 1.81 કરોડ બાદ કરી દેવામાં આવ્યા હતા.
બાકીના 25.81 કરોડ કામદારોને ચૂકવી આપવાનો ગત શુક્રવારે ઓર્ડર કરવામાં આવ્યો છે. પરિણામે લિક્વિડેટર 3228 કામદોરાને તેમના નાણા ચૂકવવાની કાર્યવાહી કરશે. આ સાથે જ ગુજરી ગયેલા કામદારોના વારસદારોને પૈસા આપવાનું પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. ગુજરાતની તેરમી મિલ છે જેના કામદારોને તેમના સો ટકા નાણા મળ્યા છે.
કામદારોને તેમના નાણા ચૂકવી દીધા બાદ પણ લિક્વિડેટર પાસે રૂ. 45 કરોડ જમા રહેવાના છે. તેમાંથી રૂ.2.12 કરોડ કામદારોના પ્રોવિડન્ટ ફંડ પેટે અલગ કાઢવામાં આવશે. આ નાણા માત્ર ને માત્ર કામદારોને જ ચૂકવવામાં આવશે. કામદારોને પહેલા લેણાં ચૂકવ્યા પછી બાકી બચનારા 42.88 કરોડમાંથી કામદારોના લેણા પરનું વ્યાજ, બાકીનું બોનસ અને નોટિસના પગારના પેમેન્ટ આપવામાં આવશે. આ નાણા બીજા તબક્કામાં ચૂકવવામાં આવશે. 3288 કામદારોને ચાર ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવશે.







