Rajkot: રાજકોટ અને આઈ.ટી.આઈ. જેતપુર (વિરપુર) ના સંયુક્ત ઉપક્રમે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો યોજાયો

તા.૨૨/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
યુવાનોને મહત્તમ અને ઝડપી રોજગારી માટે આઈ.ટી.આઈ.માં હવે કોમ્પ્યુટર સાથે એ.આઈ આધારીત કોર્સ પણ ભણાવાશે, મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય નિયામકશ્રી, રોજગાર અને તાલીમની કચેરી, ગાંધીનગર અને મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, રાજકોટ અને આઈ.ટી.આઈ. જેતપુર (વિરપુર) ના સંયુક્ત ઉપક્રમે કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો -૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ દિપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ યુવાનોને રોજગારી મળી રહે તે માટે આઇ.ટી.આઈ માં ચાલતા સ્કીલ ડેવલપમેન્ટ કોર્સમાં હવે કોમ્પ્યુટરની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સ પણ શરૂ કરવામાં આવશે. વર્તમાન સમયમાં વિવિધ કંપનીઓ સાથે એમ.ઓ.યુ. કરીને તેમને જરૂરી મેનપાવર આઈ.ટી.આઈ.ના વિવિધ કોર્સના ટ્રેઈની મારફતે પૂરો પાડવાના પ્રયાસ આઈ.ટી.આઈ. અને રોજગાર વિભાગ કરી રહ્યો છે. આ માટે આઈ.ટી.આઈ. અને રોજગાર વિભાગ બંનેનું રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણ કરવામાં આવશે.
રોજગાર મેળામાં ઉપસ્થિત રહેનારી કંપનીઓના પ્રતિનિધિઓને મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજની યુવા પેઢી ખૂબ ઝડપથી વસ્તુઓ શીખે છે. આવા યુવાનો અને યુવતીઓને જરૂર પડે ત્યાં સહકાર આપીને તેમની જરૂરિયાત મુજબ કેળવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. ગ્રામ્ય મહિલાઓને રોજગારી મળી રહે તે માટે મિશન મંગલમ યોજના અંતર્ગત કૌશલ્ય ટ્રેનિંગ અને લોન સહાય યોજનાનો પણ લાભ લેવા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર વિભાગ ભરતી મેળાના આયોજન સમયસર કરીને સ્થાનિક ક્ષેત્રે યુવાનોને રોજગારી મળી રહે તે માટે સતત કાર્યરત છે. જેતપુર આઈ.ટી.આઈ. અને રોજગાર વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે, તે બદલ તેમણે આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. અને દીનદયાળ અંત્યોદય યોજના તથા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન (DAY-NRLM) અન્વયે ઉર્મિલાબેન રાઠોડ અને વાધેલા દિવ્યા બેનને ‘ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન (DAY-NRLM)’ અંતર્ગત બેંક સખી અને બી.સી.સખી તરીકે તેમનાં દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાની કામગીરીમાં આપેલ સહયોગ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાની વિવિધ આઇ.ટી.આઇ. દ્વારા એક વર્ષમાં ૩૬ જેટલા રોજગાર મેળાઓ યોજીને અંદાજિત ૪૪૦૦ જેટલા ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી જસુમતીબેન કોરાટ, રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયા, આઈ.ટી.આઈ રાજકોટના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી કંજારીયા, અન્ય આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રીઓ તથા રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીઓ, વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









