Rajkot; “VGRC-Rajkot” હેન્ડ-પાવર ટૂલ્સની રૂ. એક અબજની આયાત ઘટાડવાના હેતુથી સ્થાનિક સ્તરે ઉત્પાદન માટે રિજનલ વાયબ્રન્ટમાં અપાશે માર્ગદર્શન

તા.૨૨/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ડિફેન્સ સંબંધિત ઉત્પાદનોના સપ્લાય માટે ઉદ્યોગકારોને વેન્ડર રજિસ્ટ્રેશન સહિતની જાણકારી વાયબ્રન્ટનાં મંચ પરથી મળશે
લઘુઉદ્યોગ ભારતી દ્વારા બે મહત્વના સેમિનાર સાથે ડિફેન્સ એક્સ્પોનું સંચાલન કરાશે
રાજકોટમાં યોજનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે ઉદ્યોગકારોમાં ઉત્સાહ
આલેખનઃ સંદીપ કાનાણી
Rajkot: જાન્યુઆરી માસમાં રાજકોટમાં યોજાવા જઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)થી રાજકોટના ઔદ્યોગિક અને વ્યાવસાયિક વિકાસને નવી ઉડાન મળશે, ત્યારે ઉદ્યોગકારો અને વેપારીઓમાં તેના માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વાયબ્રન્ટમાં લઘુઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર દ્વારા બે મહત્વના સેમિનાર થકી રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને અગત્યનું માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે ડિફેન્સ એક્સ્પોનું સંચાલન કરવામાં આવશે.
લઘુઉદ્યોગ ભારતી-ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ મુજબ દેશમાં હાલ ‘આત્મનિર્ભર ભારત’ માટે ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રના વિકાસ માટે અભિયાન ચાલી રહ્યું છે, તેમાં વી.જી.આર.સી.-રાજકોટ ખૂબ જ ઉપયોગી થશે.
તેમણે કહ્યું હતું કે, લઘુઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર દ્વારા આ વાયબ્રન્ટમાં બે મહત્વના સેમિનાર યોજવામાં આવશે. એક સેમિનાર ઈમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ડેવલપમેન્ટ પર હશે અને બીજો ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ સંબંધિત હશે.
ઈમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ડેવલપમેન્ટ અંગેના સેમિનારમાં ઉદ્યોગકારોને આયાત ઘટાડીને દેશમાં વિવિધ ઉત્પાદનો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. હાલમાં રૂપિયા એક અબજથી વધુના હેન્ડટુલ્સ-પાવર ટુલ્સ આયાત કરવામાં આવે છે, ત્યારે આ ટુલ્સનું ઉત્પાદન સ્થાનિક સ્તરે કરીને આયાત ઘટાડીને દેશનું હુંડિયામણ દેશમાં જ રહે તેના માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, રાજકોટના અનેક ઉદ્યોગકારો ડિફેન્સ સંબંધિત સાધનોનું પ્રોડક્શન કરે છે. ડિફેન્સ એક્સ્પો થકી રાજકોટની ડિફેન્સ સંસાધનોની ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતાને સરકાર તેમજ બહારના અન્ય ઉદ્યોગકારો, પી.એસ.યુ. સમક્ષ ઉજાગર કરાશે. આ ડિફેન્સ એક્સ્પો બાયર્સ અને સેલર્સ માટે સેતુ સમાન બનશે તેવી આશા છે.
ઉપરાંત ડિફેન્સ સંબંધિત સાધનોના ઉત્પાદન બાદ તેના સપ્લાય માટે વેન્ડર રજિસ્ટ્રેશન સહિતની બાબતો અંગે રાજકોટના ઉદ્યોગકારોને ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ અંગેના સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઔદ્યોગિક વિકાસ માટે ‘વાયબ્રન્ટ ગુજરાત’નો નવો કન્સેપ્ટ લાવ્યા હતા. હવે ગુજરાત સરકાર ‘રિજનલ વાયબ્રન્ટ’નો કન્સેપ્ટ લાવી છે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરો વિવિધ ઉત્પાદનોમાં માસ્ટરી ધરાવે છે અને વિશ્વસ્તરે તેની નામના છે. જેમ કે, મોરબી, થાન, વાંકાનેર સિરામિક ક્ષેત્રે, જામનગર ઈલેક્ટ્રિકલ પાર્ટસ તથા બ્રાસ પાર્ટસ્, ભાવનગર શિપબ્રેકિંગ તો જુનાગઢ એગ્રિ કલ્ચર ઈન્ડસ્ટ્રીઝમાં માસ્ટરી ધરાવે છે. રાજકોટમાં તો ૪૦થી ૫૦ સેગમેન્ટમાં નોંધપાત્ર કામ થઈ રહ્યું છે. જેમાં એન્જિનિયરિંગ, સિલ્વર-ગોલ્ડ જ્વેલરી, ડિઝલ એન્જિન બાદ હવે ઈલેક્ટ્રિક મોટર્સ વગેરે ક્ષેત્રે રાજકોટ આગળ પડતું છે. આ વી.જી.આર.સી.થી રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ટૂરિઝમ, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, ઔદ્યોગિક વિકાસ વગેરેને મોટો વેગ મળશે. નાના-મોટા વિવિધ વ્યવસાયો તેમજ ઈ-કોમર્સ સંલગ્ન ટેક્નોલોજીને લઈને સૌરાષ્ટ્રના યુવાનોમાં જે જાગૃતિ આવી છે, તેમને મોટી તકો ઉપલબ્ધ થશે.




