KUTCHMUNDRA

ટેટ-1 વિશ્લેષણ: માત્ર 5% રિઝલ્ટની આશંકા, શું પ્રાથમિક શિક્ષકોની ઘટ યથાવત રહેશે?

વાત્સલ્યમ્ સમાચાર,

પુજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ટેટ-1 વિશ્લેષણ: માત્ર 5% રિઝલ્ટની આશંકા, શું પ્રાથમિક શિક્ષકોની ઘટ યથાવત રહેશે?

 

મુંદરા,તા.23: તાજેતરમાં લેવાયેલી ટેટ-1 પરીક્ષાના પ્રશ્નપત્રની કઠિનતા અને પરિણામની સંભવિતતાએ રાજ્યના શિક્ષણ જગતમાં નવી ચર્ચા જગાવી છે. આશરે 90,000 જેટલા ઉમેદવારોએ આપેલી આ પરીક્ષાનું સ્તર એટલું અઘરું અને લાંબુ હતું કે માત્ર 5% ઉમેદવારો જ પાસ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જો માત્ર 5,000 જેટલા ઉમેદવારો ઉત્તીર્ણ થશે તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી સમયમાં ભરવાપાત્ર અંદાજે 63,000 શિક્ષકોની જગ્યાઓ ભરવાનો પ્રશ્ન વધુ ગૂંચવાશે. પ્રોફેસર લેવલના અટપટા પ્રશ્નો અને પેપરમાં રહેલી ક્ષતિઓને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જો આ જ સ્થિતિ રહેશે તો પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની અછતની સમસ્યા કાયમ માટે જળવાઈ રહેશે તેવી આશંકા સેવાઈ રહી છે.

આ ગંભીર સ્થિતિમાં પરીક્ષાના પાસિંગ ધોરણોમાં રહેલી અસમાનતાનો મુદ્દો પણ જોર પકડી રહ્યો છે. હાલમાં જનરલ કેટેગરી માટે 60% અને અનામત વર્ગ માટે 55% પાસિંગ ગુણ નિર્ધારિત છે. આ અંગે તાર્કિક વિરોધ ઉઠ્યો છે કે ભારતીય બંધારણ અને સામાજિક વ્યવસ્થા મુજબ અનામતનો ઉદ્દેશ્ય શિક્ષણમાં પ્રવેશ અને નોકરીમાં અગ્રતા આપવાનો છે પરંતુ કોઈ પણ કાયદો કે સમાજ સુધારક ઓછા ગુણે પાસ થવા માટે પ્રોત્સાહન આપવાની ભલામણ કરતું નથી. જ્યારે કોલેજમાં પ્રોફેસર બનવા માટેની પાત્રતા પણ 55% ગુણ હોય ત્યારે ધોરણ 1 થી 5 ના શિક્ષક બનવા માટે જનરલ કેટેગરી પાસે 60% ની અપેક્ષા રાખવી એ અતિશયોક્તિભર્યું લાગે છે. વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકિર્દીમાં 35% એ પાસ થતા હોય છે ત્યારે સીધું 60% નું ધોરણ અને તે પણ ‘પ્રોફેસર લેવલ’ ના પેપરમાં એ ઉમેદવારોની કાર્યક્ષમતા માપવા માટે અયોગ્ય માપદંડ સાબિત થઈ રહ્યો છે.

શિક્ષણ વિભાગ અને પરીક્ષા બોર્ડ સમક્ષ એવી ઉમદા માંગ કરવામાં આવી છે કે તમામ વર્ગના ઉમેદવારો માટે પાસિંગ ધોરણ સમાન રીતે 55% (82 ગુણ) કરવામાં આવે. જો જનરલ કેટેગરીના ઉમેદવારોને પણ 55% એ પાસ ગણવામાં આવે તો વધારાના 2 થી 3 હજાર લાયક ઉમેદવારો પાસ થઈ શકે છે જેનાથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન મહદઅંશે હલ થઈ શકે. કાર્યક્ષમતા માટે 55% ગુણ પણ પૂરતા છે કારણ કે તે મૂળભૂત 35% ના પાસિંગ ધોરણ કરતા 20% વધુ છે. અને પ્રોફેસર માટે પણ 55%નું ધોરણ અપનાવવામાં આવે છે ત્યારે શિક્ષણ ખાતું આ બાબતે યોગ્ય વિચારણા કરી વ્યાજબી નિર્ણય લે તેવી ઉમેદવારો અને શિક્ષણવિદોને આશા અને અપેક્ષા છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!