
ડેસર.
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાની વાંકાનેડા જૂથ ગ્રામપંચાયત બાબતે ઉઠેલા ગંભીર પ્રશ્નોએ હવે તંત્રને કડક કાર્યવાહી માટે મજબૂર કરી દીધું છે.
તા. 24/11/2025 ના રોજ વાંકાનેડા જૂથ ગ્રામપંચાયતના ગ્રામજનો તથા અરજદારો દ્વારા પ્રથમ વખત માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વડોદરા સમક્ષ લેખિત આવેદન રજૂ કરવામાં આવ્યું હતું. આ આવેદનમાં પંચાયતના મહત્વના રેકોર્ડ ગાયબ હોવા, તેમજ કાગળ પર દર્શાવાયેલા વિકાસ કાર્યો વાસ્તવિક સ્થળ પર અસ્તિત્વમાં ન હોવાની ગંભીર બાબતો રજૂ કરી, નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરવામાં આવી હતી.
ત્યારબાદ માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ પ્રાપ્ત થયેલી માહિતી પરથી સ્પષ્ટ થતું ગયું કે એક પછી એક અનેક વિકાસ કાર્યોમાં સંભવિત ગેરરીતિઓ બહાર આવી રહી છે. આ નવા પુરાવાઓના આધારે તા. 18/12/2025 ના રોજ અરજદારે ફરી એકવાર માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી સમક્ષ બીજું આવેદન પુરાવા સહિત રજૂ કરી, ભ્રષ્ટાચારની શંકાને વધુ મજબૂત આધાર આપ્યો હતો.
આ તમામ ફરિયાદો અને રજૂઆતો બાદ આજે તા. 23/12/2025 ના રોજ વડોદરા જિલ્લાકક્ષાની તપાસ ટીમ અચાનક વાંકાનેડા જૂથ ગ્રામપંચાયત ખાતે પહોંચી હતી અને પંચાયતના તમામ રેકોર્ડ પોતાના કબ્જે લઈ લીધા છે. સામાન્ય રીતે રેકોર્ડ કબ્જે કરવાની કાર્યવાહી ત્યારે જ થાય છે જ્યારે રેકોર્ડની વિશ્વસનીયતા, સુરક્ષા અથવા ગંભીર ગડબડ અંગે તંત્રને શંકા હોય.
તપાસ ટીમ દ્વારા રેકોર્ડ કબ્જે કરાયા હોવાની ઘટના પોતે જ એ વાત દર્શાવે છે કે મામલો હવે સામાન્ય વહીવટી ખામીનો નથી રહ્યો, પરંતુ વિકાસ કાર્યો, જાહેર નાણાંના ઉપયોગ અને પંચાયતના દસ્તાવેજોની વિશ્વસનીયતા અંગે ગંભીર તપાસના તબક્કામાં પ્રવેશી ગયો છે.
અરજદારો દ્વારા કોઈ વ્યક્તિ સામે સીધો આરોપ લગાવવામાં આવ્યો નથી, પરંતુ રેકોર્ડ અને જમીન પરની હકીકત વચ્ચેના તફાવત અંગે સત્ય બહાર આવે, અને જો કોઈ જવાબદાર હોય તો તેની સામે કાયદેસર કાર્યવાહી થાય — એવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે.
*જિલ્લાકક્ષાની તપાસ ટીમે રેકોર્ડ કબ્જે કર્યા — એ પોતે જ ઘણું કહી જાય છે*.
*હવે સત્ય બહાર આવવું અનિવાર્ય બની ગયું છે*.



