
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં રાજય ધોરીમાર્ગ વિભાગ દ્વારા અઠવાડિયા પહેલા જ અંદાજીત 60 લાખના ખર્ચે નિર્માણ કરાયેલ ગટરનાં સ્લેબ પર દબાણકર્તાઓએ ભારે વાહનો ચડાવી ગાબડા પાડતા કાર્યવાહીની માંગ ઉઠી..ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ખાતે રાજય ધોરીમાર્ગની બન્ને સાઈડે સ્થાનિક દબાણકર્તાઓની મનમાનીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રાજ્ય ધોરીમાર્ગની બાજુએ વાહનચાલકો અને રાહદારીઓની સુવિધા માટે અંદાજે 60 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી સ્લેબ ડ્રેનેજ ગટરને માત્ર એક જ અઠવાડિયામાં દબાણકર્તાઓએ તોડી પાડતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્ય ધોરીમાર્ગ પેટા વિભાગ વઘઇ દ્વારા આ ગટરનું કામ હજુ ગત અઠવાડિયે જ પૂર્ણ કરવામાં આવ્યું હતુ.જોકે, માર્ગને અડીને બેફામ બનેલા દુકાનદારો અને દબાણકર્તાઓએ પોતાના સ્વાર્થ માટે આ નવી નકોર ગટરનાં સ્લેબ પર 40 ટન વજન ધરાવતા ટ્રક અને જેસીબી જેવા ભારે વાહનો ચડાવી દીધા હતા. ગટરનું બાંધકામ હજુ પૂરતું મજબૂત થાય તે પહેલાં જ તેના પર ક્ષમતા કરતા વધુ વજન ચઢાવવામાં આવતા ગટરના સ્લેબ તૂટીને બેસી ગયા છે. જેના કારણે સરકારના લાખો રૂપિયા જાણે ખાડામાં ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દબાણકર્તાઓના આ કૃત્યને કારણે અત્યારે ત્યાં ગંભીર અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે. ગટર તૂટી જવાથી રસ્તાની બાજુમાં જ જોખમી ખાડા પડી ગયા છે. જો કોઈ રાહદારી કે રાત્રિના સમયે વાહન ચાલક આ ખાડામાં ખાબકે અને મોટી જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની? તેવો વેધક સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.આ મામલે હવે શામગહાનની જનતામાં ઉગ્ર લોકરોષ જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે,પ્રાંત અધિકારી અને રાજ્ય ધોરીમાર્ગ વિભાગ કોઈપણ પ્રકારની શેહ-શરમ રાખ્યા વગર તાત્કાલિક માર્ગની સાઈડના દબાણો હટાવે,માર્ગની યોગ્ય માપણી કરાવીને દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા સરકારી મિલકતને નુકસાન પહોંચાડનારા તત્વો પાસેથી જ નુકસાનીની વસૂલાત કરવામાં આવે.હવે જોવાનું એ રહે છે કે ડાંગ વહીવટી તંત્ર આ દબાણકર્તાઓ સામે લાલ આંખ કરે છે કે પછી સરકારી નાણાનાં બગાડ સામે મૌન સેવી લે છે.આ બાબતે ડાંગ જિલ્લા રાજય ધોરીમાર્ગ વિભાગનાં કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુંકણાએ જણાવ્યુ હતુ શામગહાન ખાતે બે ત્રણ જગ્યાએ ભારે વાહનો ચડાવવાથી અને ગ્રામ પંચાયત દ્વારા પાઈપનાં ખોદકામ કરતી વખતે ગટરનો સ્લેબ તૂટ્યો છે.જે બાબતે અમોએ કાર્યવાહી હાથ ધરી છે..





