પંચાયતે 15 ગામોની બહૂ-બેટીઓ માટે કેમેરાવાળા સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવ્યો

રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી સામે આવેલા એક અનોખા અને વિવાદાસ્પદ નિર્ણયે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. અહીં ચૌધરી સમાજની સુંધામાતા પટ્ટીની પંચાયતે 15 ગામોની વહૂ-બેટીઓ માટે કેમેરાવાળા સ્માર્ટફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનું ફરમાન જાહેર કર્યું છે. આ નિર્ણય 26 જાન્યુઆરીથી અમલમાં આવશે અને તેની અસર હજારો મહિલાઓના રોજિંદા જીવન પર પડશે.
પંચાયતના આ નિર્ણય મુજબ, હવે આ 15 ગામોની મહિલાઓ સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે. તેમને માત્ર કી-પેડ મોબાઇલ રાખવાની મંજૂરી રહેશે. એટલું જ નહીં, લગ્નપ્રસંગો, સામાજિક કાર્યક્રમો કે પડોશીના ઘરે જતી વખતે પણ મોબાઇલ ફોન સાથે રાખવા પર પ્રતિબંધ રહેશે. પંચાયતનું માનવું છે કે આ નિર્ણય સમાજની નૈતિકતા અને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
આ નિર્ણય ગાજીપુર ગામમાં યોજાયેલી બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, જેમાં 14 પટ્ટીના અધ્યક્ષ સુજનારામ ચૌધરીની અધ્યક્ષતામાં ચર્ચા થઈ હતી. પંચ હિંમતારામ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને દેવારામ કારનોલ પક્ષ તરફથી સમર્થન મળ્યું હતું. ચર્ચા બાદ તમામ પંચોએ સહમતિ દર્શાવી અને નિર્ણયને અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો.
આ ફરમાન જાલોર જિલ્લાના ગાજીપુરા, પાવલી, કાલડા, મનોજિયાવાસ, રાજીકાવાસ, દાતલાવાસ, રાજપુરા, કોડી, સિદ્રોડી, આલડી, રોપસી, ખાનાદેવલ, સાવિધર, ભીનમાલના હાથમીની ઢાણી અને ખાનપુર સહિત કુલ 15 ગામોમાં લાગુ પડશે. પંચાયતના પ્રતિનિધિઓનું કહેવું છે કે મહિલાઓ પાસે સ્માર્ટફોન હોવાને કારણે બાળકો તેમાં વધુ સમય વિતાવે છે, જેના કારણે તેમની આંખો અને માનસિક વિકાસ પર નકારાત્મક અસર પડે છે. પંચાયતે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે થોડી છૂટ રાખી છે. શાળા કે કોલેજમાં અભ્યાસ કરતી છોકરીઓ જરૂર પડ્યે ઘરની અંદર મોબાઇલનો ઉપયોગ કરી શકશે, પરંતુ કોઈ પણ જાહેર કે સામાજિક સ્થળે તેઓ મોબાઇલ સાથે લઈ જઈ શકશે નહીં. આ શરતો સાથે આપવામાં આવેલી છૂટ પણ ઘણા લોકોના મતે અપૂરતી છે.
પંચાયતના આ નિર્ણય સામે હવે વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે. સામાજિક કાર્યકરો અને મહિલા અધિકાર સંગઠનો આ નિર્ણયને મહિલા વિરોધી અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. ઘણા લોકોએ આ નિર્ણયને તુગલકી ફરમાન કહીને તેની સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે મહિલાઓના શિક્ષણ, સ્વતંત્રતા અને ડિજિટલ અધિકારો પર આ પ્રકારના પ્રતિબંધો આધુનિક સમાજ માટે ખતરનાક સંકેત છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે ટેકનોલોજીના દુરુપયોગને રોકવા માટે જાગૃતિ અને માર્ગદર્શન જરૂરી છે, સંપૂર્ણ પ્રતિબંધ નહીં. આ ઘટના એ વાતનું પ્રતિબિંબ છે કે આજના સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં મહિલાઓની સ્વતંત્રતા અંગે સંકુચિત વિચારધારા જીવંત છે. હવે જોવાનું રહેશે કે જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકાર આ મુદ્દે શું પગલાં લે છે અને પંચાયતના આ નિર્ણય પર કોઈ કાનૂની કાર્યવાહી થાય છે કે નહીં.




