AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેતર ખેડીને રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરી, સરકારની ખેડૂત નીતિઓ પર તીવ્ર પ્રહાર

અમદાવાદ/ગુજરાત: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાષ્ટ્રીય ખેડૂત દિવસ નિમિત્તે ખેતરમાં જાતે ઉતરી ખેડાણ કરીને અનોખી રીતે ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતના 54 લાખ ખેડૂત પરિવારોને ખેડૂત દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે કેન્દ્ર તથા રાજ્ય સરકારની ખેડૂત નીતિઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે દેશને આઝાદી મળ્યા બાદ 78 વર્ષ પૂર્ણ થયા છે અને ગુજરાતમાં કોંગ્રેસ તથા ભાજપે લાંબા સમય સુધી શાસન કર્યું છે. તેમ છતાં આજે સ્થિતિ એવી છે કે ઉદ્યોગપતિઓ અને નેતાઓનો વિકાસ થયો છે, પરંતુ ખેડૂતની હાલત દિવસેને દિવસે ખરાબ બની રહી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ખેડૂતો આજે ખેતી કેમ છોડવા મજબૂર બન્યા છે. ડોક્ટર પોતાના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે, વકીલ પોતાના દીકરાને વકીલ બનાવવા ઇચ્છે છે અને રાજકારણી પોતાના સંતાનોને ધારાસભ્ય અથવા મંત્રી બનાવવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ ખેડૂત પોતાના સંતાનોને ખેડૂત બનાવવા માંગતો નથી. આ સ્થિતિ દેશ માટે ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ખેડૂત રાત-દિવસ મહેનત કરે છે છતાં તેની આવકમાં કોઈ વધારો થતો નથી. એક તરફ કમિશન આધારિત વ્યવસાય કરનાર લોકો રોજના હજારો રૂપિયા કમાઈ રહ્યા છે, જ્યારે દસ વીઘાનો ખેડૂત પણ દેવામાં ડૂબતો જાય છે. તેમના મતે સરકારની નીતિઓ જ એવી છે કે ખેડૂત ખેતી છોડવા મજબૂર બને છે. જો આવી સ્થિતિ યથાવત રહેશે તો આગામી દસ-પંદર વર્ષમાં મોટા ઉદ્યોગપતિઓ ખેતી ક્ષેત્રમાં પ્રવેશ કરશે અને અનાજ તથા ખાદ્ય તેલ જેવી આવશ્યક વસ્તુઓના ભાવ આસમાને પહોંચશે.
ઈસુદાન ગઢવીએ આરોપ મૂક્યો હતો કે પાક વીમા યોજના અંગે મોટા વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અમલમાં નથી. તેમણે કહ્યું હતું કે એક તરફ ઉદ્યોગપતિઓના લાખો કરોડના દેવા માફ કરવામાં આવ્યા છે, પરંતુ એકપણ ખેડૂતનું દેવું માફ કરવામાં આવ્યું નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતમાં વિવિધ સમાજના ખેડૂતો દ્વારા આપઘાતની ઘટનાઓ સામે આવી છે, છતાં સરકાર તરફથી સંવેદનશીલતા દેખાતી નથી.
તેમણે આંતરરાષ્ટ્રીય ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે અમેરિકા જેવા દેશોમાં ખેડૂતોને મોટી માત્રામાં સબસીડી આપવામાં આવે છે, જ્યારે આપણા દેશમાં ખેડૂતોને પૂરતું આર્થિક સહાય કે યોગ્ય ભાવ મળતો નથી. એપીએમસી વ્યવસ્થામાં કડદાઓ, બિયારણ અને દવાઓની મોંઘવારી, ખાતરની અછત અને બ્લેક માર્કેટ જેવી સમસ્યાઓ ખેડૂતની હાલત વધુ કથળે છે. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે ખેડૂતના ખેતરમાં ડુંગળી બે રૂપિયા કિલો હોય છે ત્યારે સંગ્રહખોરી અને નીતિગત નિર્ણયો બાદ ભાવમાં ભારે વધારો થાય છે, પરંતુ તેનો લાભ ખેડૂતને મળતો નથી.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ઘણા ગામોમાં ખેડૂતો હજુ પણ પક્ષપાતી માનસિકતા સાથે મત આપે છે, પરંતુ અંતે તેમની જ હાલત ખરાબ થાય છે. ગામડાઓમાં સામાજિક સમસ્યાઓ વધી રહી છે અને યુવાનો ખેતીથી દૂર જઈ રહ્યા છે. તેમના મતે હવે ખેડૂતોને જાગૃત થવાની જરૂર છે અને છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલા શાસકો પાસેથી વધુ આશા રાખવી વ્યર્થ છે.
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં 54 લાખ ખેડૂતોના પરિવારજનો સહિત લાખો લોકોની જીવિકા ખેતી પર આધારિત છે. ઉદ્યોગ સાથે સાથે ખેતીને પણ સમાન મહત્વ આપવાની જરૂર છે. તેમણે માંગ કરી હતી કે ખેડૂતોને વાવણી પહેલાં જ ખાતરી મળે કે તેમના પાકની ખરીદી સરકાર દ્વારા ન્યૂનતમ આધારભાવ પર કરવામાં આવશે. આવી નીતિ અમલમાં આવે તો જ ખેતી ક્ષેત્ર બચી શકે અને ખેડૂતને આર્થિક સુરક્ષા મળી શકે, એવું તેમણે જણાવ્યું હતું.







