દહેજ PCPIR ઝોનમાં ગેરકાયદે માટી ખોદકામ: ખેડૂતોમાં આક્રોશ, ભૂમાફિયા સામે આક્ષેપ કરી કલેક્ટરને રજૂઆત કરી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના દહેજ PCPIR ઝોનમાં ખેતીની જમીનમાં માલિકની મંજૂરી વિના ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે સ્થાનિક ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે અને તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે. ખેડૂત મગનલાલ વસાવાના જણાવ્યા અનુસાર, સર્વે નંબર 465 ની તેમની માલિકીની 73-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે. દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકની પરવાનગી વિના આશરે 15 થી 20 ફૂટ ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિનખેતીલાયક બનાવી દીધી છે. ખેડૂતોનો આરોપ છે કે આ સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયા અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરવામાં આવ્યું છે. આ ખોદકામ માટે PCPIR ઝોન કે સરકારી પટ્ટાની જમીનમાં જરૂરી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી. આસપાસની અન્ય ઘણી જમીનોમાં પણ આ જ રીતે ગેરકાયદેસર ખોદકામ થયું હોવાના આક્ષેપો છે. આ ગેરકાયદેસર ખોદકામના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તર પર પણ ગંભીર નકારાત્મક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક તપાસ કરવા અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવું રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે અને કેવા પગલાં ભરે છે.




