HALVAD:હળવદના ટીકર ગામે જનતાનો રોષ ફાટી નીકળ્યો: ગટર અને બિસ્માર રસ્તાના પ્રશ્ને રણકાંઠાના ગ્રામજનો મેદાને

HALVAD:હળવદના ટીકર ગામે જનતાનો રોષ ફાટી નીકળ્યો: ગટર અને બિસ્માર રસ્તાના પ્રશ્ને રણકાંઠાના ગ્રામજનો મેદાને
Box- સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ ભૂખ્યા નેતાઓને વિકાસમાં રસ નથી’ તેવો આક્ષેપ; ચક્કાજામની ચીમકી ઉચ્ચારી
હળવદ તાલુકાના છેવાડાના રણકાંઠા વિસ્તારમાં આવેલા ટીકર ગામમાં વિકાસના કામો માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ ભારે હંગામો મચાવ્યો હતો. ગામમાં ગટરના ઉભરાતા ગંદા પાણી અને ખખડધજ રસ્તાઓથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોએ સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.વિકાસના નામે માત્ર ફાંકા ફોજદારીનો આક્ષેપ ટીકર ગામના રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રણકાંઠાના આ ગામોમાં વિકાસના નામે નેતાઓ માત્ર મોટા-મોટા ફાંકા મારે છે. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે, ગામના મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણી નદીની જેમ વહી રહ્યા છે. ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ છે, છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે.
ધારાસભ્યની કાર્યશૈલી સામે સવાલો ગ્રામજનોએ સીધો પ્રહાર કરતા જણાવ્યું કે, ધારાસભ્યને વિસ્તારના પાયાના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ હોય તેવું લાગતું નથી. તેઓ માત્ર સોશિયલ મીડિયામાં પોતાની પ્રસિદ્ધિ કરવામાં જ વ્યસ્ત રહે છે. “સોશિયલ મીડિયામાં હલકી પ્રસિદ્ધિ મેળવવાની ભૂખ” હોવાનો ગંભીર આક્ષેપ પણ લોકોએ કર્યો હતો. રોડ-રસ્તાની હાલત એટલી બિસ્માર છે કે વાહન ચલાવવું તો દૂર, ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.”જો વહેલી તકે અમારી ગટર અને રોડની સમસ્યા હલ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ટીકર ગામના લોકો રસ્તા પર ઉતરી ચક્કાજામ કરશે.” – સ્થાનિક ગ્રામજનો









