સાબરમતીમાં જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો, ૧૫ શાળાના ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: સાબરમતી વિસ્તારની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર શિક્ષા ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સીટી તાલુકાની ૧૫ જેટલી શાળાઓના અંદાજે ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સેમિનારનો મુખ્ય હેતુ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને આગામી બોર્ડ પરીક્ષાઓ માટે માનસિક રીતે તૈયાર કરવો, પરીક્ષાનો ભય દૂર કરવો તથા યોગ્ય કારકિર્દી પસંદગી અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો રહ્યો હતો. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓને માત્ર પરીક્ષા તરીકે નહીં પરંતુ પોતાની ક્ષમતાનો પરિચય આપવાનું માધ્યમ બનાવે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે તે માટે વિવિધ માર્ગદર્શક સત્રો યોજાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં વહેલી તકે યોગ્ય દિશામાં માર્ગદર્શન મળવું અત્યંત જરૂરી છે. વિદ્યાર્થીઓએ પોતાની રૂચિ, ક્ષમતા અને શક્તિઓને ઓળખીને કારકિર્દી પસંદ કરવી જોઈએ અને સતત મહેનત તથા શિસ્ત દ્વારા લક્ષ્ય હાંસલ કરવું જોઈએ તેવો તેમણે સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન પ્રેરણાત્મક વક્તા દિપક તેરૈયાએ વિદ્યાર્થીઓને જીવનમાં લક્ષ્ય નિર્ધારણ, સમય વ્યવસ્થાપન અને કારકિર્દી પસંદગી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યાદશક્તિ વધારવાની પદ્ધતિઓ, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોની સરળ તૈયારી, પ્રશ્નપત્ર વાંચવાની યોગ્ય રીત અને પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટેની રણનીતિઓ અંગે ઉપયોગી સૂચનો આપ્યા હતા. વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપવામાં આવ્યા હતા, જેને કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો વધારો થયો હતો.
સેમિનારમાં અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે આવા માર્ગદર્શન કાર્યક્રમો વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સાથે જીવનલક્ષી કુશળતાઓ વિકસાવવામાં મદદરૂપ બને છે. શિક્ષણ નિરીક્ષક કેતનભાઈ વ્યાસ, ચારૂશીલાબેન મકવાણા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક વિનીતભાઈ પટેલ અને જીજ્ઞાસાબેન નાયક સહિતના અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં સરકારી માધ્યમિક શાળા કુજાડના સ્નેહલભાઈ વૈદ્ય, આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલના આચાર્ય કિરણબેન ઉપાધ્યાય, શાળાના ટ્રસ્ટી કાંતિલાલ પટેલ તેમજ શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ આ પ્રકારના સેમિનારથી પોતાની કારકિર્દી અંગે સ્પષ્ટતા મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં પણ આવા માર્ગદર્શન કાર્યક્રમો યોજવાની માંગ કરી હતી.







