
અરવલ્લી
અહેવાલ :- હિતેન્દ્ર પટેલ
મોડાસા: સુશાસન સપ્તાહ – પ્રશાસન ગાંવ કી ઓર – મોડાસા ખાતે નિવૃત IAS અધિકારી અને GPSCના પૂર્વ ચેરમેન નલિન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની વર્કશોપ યોજાઈ
સુશાસન સપ્તાહ અંતર્ગત યોજાયેલી વર્કશોપમાં જિલ્લા કલેકટર (ઈનચાર્જ) અને જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયાની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રગતિ માટે વિચારવિમર્શ કરવામાં આવ્યો
અરવલ્લી જિલ્લા સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના બાબા સાહેબ આંબેડકર હૉલ ખાતે જિલ્લા કક્ષાની વર્કશોપ યોજાઈ. નિવૃત IAS અધિકારીશ્રી અને GPSCના પૂર્વ ચેરમેનશ્રી નલિન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની વર્કશોપ યોજાઈ. આ વર્કશોપ દરમિયાન જિલ્લાના પ્રગતિ માટે વિચારવિમર્શ કરવામાં આવ્યો.વર્કશોપમાં સંબોધિત કરતા જિલ્લા કલેકટરશ્રી (ઈનચાર્જ) અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયાએ જણાવ્યું કે સુશાસનનો ખરો અર્થ લક્ષાંકને પૂરા કરવાનો નહીં છેવાડાના લોકોને ખરા અર્થમાં લાભ પૂરા પાડી તેમના જીવનને ઉત્કૃષ્ઠ બનાવવાનો છે. શિક્ષણ, આરોગ્ય ,રોજગાર જેવા વિવિધ વિભાગોના લાભ લોકોને પહોંચાડી તેમના સુધી સુશાસનના મીઠા ફળ લોકો સુધી પહોંચાડી શકાય છે.જિલ્લામાં લોકોને તેમના ઘર આંગણે વિવિધ યોજનાઓના લાભ મળે અને તેમના વહીવટી કામો સરળતાથી થાય તે માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત રહી લોકાભિમુખ વહીવટ ચલાવવામાં આવે છે.
આજની વર્કશોપમાં લોકોને સંબોધિત કરતા કાર્યક્રમના અધ્યક્ષશ્રી નલિન ઉપાધ્યાયએ જણાવ્યું કે ‘સુશાસન’ એ બીજું કંઈ નહીં છેવાડાના માનવીને તેમના લાભ પૂરા કરાવવા માટે છે. છેવાડાના માનવી સુધી પહોંચવા ગ્રામ્ય કક્ષાના લોકોની મદદ લેવી જ પડશે. લોકાભિમુખ વહીવટ જ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. આ સાથે જ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાનના અનુભવો પણ વ્યક્ત કર્યા.
વર્કશોપ દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પરમાર દ્વારા અમૃતપાન અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેષ દવે દ્વારા શિક્ષણ વિભાગની ગુડ પ્રેક્ટિસ અંગે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરી દ્વારા કરાયેલી ઇનોવેટીવ કામગીરી અંગે માહિતી પૂરી પાડવામાં આવી.આજના કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા, મોડાસા પ્રાંત અધિકારી વિશાલ પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જીલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.





