
ડેડીયાપાડામાં ત્રણ વર્ષમાં એક પણ ધર્માંતરણની ફરિયાદ નથી: ચૈતર વસાવા
તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/12/2025 – આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયં સંઘ (RSS) પ્રેરિત રાષ્ટ્રીય આદિજાતિ સંઘ દ્વારા ગતરોજ ડેડીયાપાડાના SDMને ખ્રિસ્તીઓ દ્વારા કરવામાં આવતા ધર્માંતરણ અટકાવવા અને નાતાલના કાર્યક્રમ ન થવા દેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. ત્યારે હકીકતમાં એમણે આદિવાસીઓનો ઇતિહાસ જોવો જોઈએ. આદિ અનાદિકાળથી જે વસે છે એને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી સમાજ ધર્મ પૂર્વી સમાજ છે, મતલબ કે પહેલા આદિવાસી સમાજ હતો પછી બધા ધર્મ આવ્યા. આદિવાસી પ્રકૃતિને પૂજનારો છે, આજે પણ અમારા હિમાડીયા દેવ, ગમાણ દેવ સહીત અનેક દેવ અને સૂર્ય, ચંદ્ર, નદી, પહાડ, ઝાડ, જંગલને અમે પૂજિયે છીએ. ત્યારે જે તે સમયે 1970-80ના દાયકામાં આ વિસ્તારોમાં ખ્રિસ્તી મશીનરીના લોકો આવ્યા, એમણે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવી પ્રવૃત્તિઓમાં લોકોને જોડ્યા અને લોકોને લાભો આપ્યા. જેનાથી પ્રેરાઈને આદિવાસી સમુદાયના લોકો આજે ખ્રીસ્તી ધર્મ પણ પાળવા લાગ્યા છે.
બીજા પણ આદિવાસી લોકો છે જે ખ્રિસ્તી ધર્મ સિવાય બીજા ધર્મો પાળે છે પરંતુ મૂળ એ આદિવાસીઓ છે. આદિવાસી તરીકે એ લોકો બંધારણમાં આમુખ પ્રમાણે જે ધર્મનિરપેક્ષતા અને બિનસાંપ્રદાયની જે જોગવાઈઓ મળેલી છે એના અનુસંધાને આજે એ લોકો બીજા ધર્મો અને સંપ્રદાયોમાં વહેંચાયેલા છે. મારા મત વિસ્તારમાં ખ્રિસ્તી ધર્માંતરણ થાય છે એવું આવેદન પાઠવે છે ત્યારે હું કહેવા માગું છું કે હું ત્રણ વર્ષથી ધારાસભ્ય છું પરંતુ મને એક પણ વિસ્તારમાંથી ધર્માંતરણની ફરિયાદ મળી નથી. ક્યાંય પણ લોભ, લાલચ કે દબાણવશ કોઈ ધર્મ પરિવર્તન કરાવતું હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. જો ખ્રિસ્તીઓથી આ સંગઠનોને વધારે દુઃખ પડતું હોય તો એમની પાર્ટીમાં જ ઝઘડિયા વિધાનસભાના રિતેશભાઈ વસાવા અને વ્યારા વિધાનસભાના મોહનભાઈ કોકડી આજે પણ ખ્રિસ્તી ધર્મ પાળે છે છતાં આદિવાસીની અનામત બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભામાં પહોંચેલા છે. જો આદિવાસીઓને મળતા લાભોને તેઓ અટકાવવા માંગતા હોય તો એમનાથી જ શરૂઆત એમણે કરવી જોઈએ એવું મારું માનવું છે.




