
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
પોસ્ટ વિભાગની બેદરકારી પ્રિન્ટ મીડિયા અને સાહિત્ય જગત માટે ‘મૃત્યુઘંટ’ સમાન? જવાબદાર સામે પગલાં લેવા માંગ
રતાડીયા,તા.25: ભારતીય ટપાલ વિભાગની ઘોર બેદરકારીના કારણે આજે ગ્રામીણ ભારતનું સામાજિક અને બૌદ્ધિક માળખું જોખમમાં મુકાયું છે. રતાડીયાના જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કરે રોષ સાથે જણાવ્યું છે કે ભારતના 50% થી વધુ ગામડાઓમાં હજુ પણ ખાનગી ન્યૂઝ એજન્સીઓ પહોંચી શકતી નથી. આવા વિસ્તારોમાં રહેતા હજારો સિનિયર સિટીઝન માટે ટપાલ દ્વારા આવતા વર્તમાનપત્રો અને સામાજિક-ધાર્મિક સામયિકો જ એકમાત્ર સથવારો છે. પરંતુ પોસ્ટ વિભાગના કર્મચારીઓ આ સાહિત્યને વાંચકો સુધી પહોંચાડવાને બદલે તેને પસ્તીના ઢગલામાં ફેરવી રહ્યા છે જે ખરેખર અખબારી જગત અને સાહિત્ય માટે ‘મૃત્યુઘંટ’ છે.
તિતિક્ષાબેને વધુમાં ઉમેર્યું કે એક બાજુ ટેલિકોમ કંપનીઓએ ભાવ વધારીને સામાન્ય માણસનું આર્થિક ભારણ વધાર્યું છે ત્યારે મધ્યમ વર્ગ અને વડીલો ફરીથી પ્રિન્ટ મીડિયા તરફ વળ્યા છે. આવા સંજોગોમાં “સાદી ટપાલની અમારી જવાબદારી નથી” તેવો ઉદ્ધત જવાબ આપતા ટપાલીઓ સામે સરકારે લાલ આંખ કરવી જોઈએ. આ માત્ર કાગળની ડિલિવરી નથી પણ એક પેઢીનું જ્ઞાન અને વર્ષોની પરંપરાનો પ્રશ્ન છે. જો આજીવન લવાજમ ભરેલા ગ્રાહકોનું સાહિત્ય પસ્તીમાં વેચાશે તો ગ્રામીણ સંસ્કૃતિ અને જ્ઞાનનો સ્ત્રોત સુકાઈ જશે.
સખી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે કે પ્રત્યેક પોસ્ટ ઓફિસમાં ‘સજેશન બોક્સ’ ફરજિયાત કરવામાં આવે અને બેજવાબદાર કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. જો આ વ્યવસ્થામાં સુધારો નહીં થાય તો પ્રિન્ટ મીડિયાના અસ્તિત્વને બચાવવા માટે વડીલો અને ગ્રામીણ જનતાને સાથે રાખી ભવિષ્યમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




