
નર્મદા : વિશાખાપટનમ ખાતે પેસા મહોત્સવ–2025 માં નર્મદા જિલ્લાના તિરંદાજી ખેલાડીઓની નોંધપાત્ર ભાગીદારી
રાજપીપલા : જુનેદ ખત્રી
પંચાયતીરાજ ભારત સરકારના મંત્રાલય દ્વારા આયોજિત પેસા મહોત્સવ–2025 નું આયોજન તા. 22/12/2025 થી 24/12/2025 દરમ્યાન આંધ્રપ્રદેશના વિશાખાપટનમ ખાતે કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય મહોત્સવમાં દેશભરના આદિવાસી વિસ્તારોની સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત તિરંદાજી, કબડ્ડી અને મેરેથોન જેવી રમતગમત સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહોત્સવ અંતર્ગત નર્મદા જિલ્લાની તિરંદાજી ટીમના કુલ 10 ખેલાડીઓએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આ તમામ ખેલાડીઓ માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલને ટીમના નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની આગેવાની અને માર્ગદર્શન હેઠળ તમામ ખેલાડીઓએ શિસ્તબદ્ધ અને સફળ રીતે સ્પર્ધામાં ભાગ લીધો.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા ખેલાડીઓની સુવિધા અને પ્રોત્સાહન માટે તમામ ખેલાડીઓને વિશાખાપટનમ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકથી ખેલાડીઓમાં ઉત્સાહ વધ્યો તેમજ રાજ્ય અને જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર થયું હતું. પેસા મહોત્સવમાં નર્મદા જિલ્લાના ખેલાડીઓની ભાગીદારીથી જિલ્લાની રમતગમત પ્રતિભાને નવી ઓળખ મળી છે અને ભવિષ્યમાં વધુ ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહેશે.




