BHARUCHBHARUCH CITY / TALUKO

દહેજ પોલીસે કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો: હોટેલના પાર્કિંગમાંથી 79.88 લાખનું કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

સમીર પટેલ, ભરૂચ

 

વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ વિસ્તારમાં પોલીસ દ્વારા કેમિકલ માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. દહેજ-ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાં ચાલી રહેલા અનધિકૃત કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો દહેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.​દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ઝાલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં સતર્કતાપૂર્વક પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા કેટલાક ઈસમો કેમિકલના ટેન્કરમાંથી વાલ્વ મારફતે ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
​દહેજ પોલીસે સ્થળ પરથી મુલારામ બાબુલાલ શર્મા અને દાલુરામ રામાંરામ જાનીની અટકાયત કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ ગિરધરસિંગ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ટેન્કર અને કેમિકલ સહિત કુલ 79,88,967 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.​ઉલ્લેખનીય છે કે દહેજ વિસ્તારમાં મોટા પાયે ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી અહીં રાસાયણિક પદાર્થોની અવરજવર સતત રહેતી હોય છે, જેનો ફાયદો ઉઠાવી કેમિકલ ચોરીના બનાવો બનતા હોય છે. દહેજ પોલીસની આ સફળ કામગીરીથી આવા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!