
અરવલ્લી
અહેવાલ:- હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જીવણપુર–મેઢાસણ રોડ બુટલેગરોનો ફેવરિટ રૂટ બન્યો , LCBએ અલ્ટ્રોઝ કારમાંથી રૂ.1.42 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
અરવલ્લી જિલ્લામાં જીવણપુર–મેઢાસણ–સરડોઈ માર્ગ બુટલેગરો માટે જાણે ફેવરિટ રૂટ બની ગયો હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. પોલીસને ચકમો આપવા અંતરિયાળ અને ગ્રામ્ય માર્ગોનો ઉપયોગ કરી કારોમાં વિદેશી દારૂની હેરાફેરી ધમધમતી હોવાનું ચર્ચાય છે
ખાસ કરીને સરડોઈ–મેઢાસણ રોડ પર રાત્રી પડતાંની સાથે પાયલોટીંગ સાથે ફુલ સ્પીડે દારૂ ભરેલી કાર પસાર થતી હોવાના કારણે મોર્નિંગ અને નાઈટ વોક માટે નીકળતા નાગરિકો તેમજ નાના વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી હોવાથી વિદેશી દારૂની વધતી માંગને પહોંચી વળવા બુટલેગરો વધુ સક્રિય બન્યા છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર દ્વારા દારૂની હેરાફેરી રોકવા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ દરમ્યાન જિલ્લા એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મેઢાસણ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. તે સમયે જીવણપુર તરફથી સરડોઈ–મેઢાસણ થઈ તલોદ તરફ જઈ રહેલી અલ્ટ્રોઝ કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા વાહન ચેકિંગ શરૂ કરાયું હતું. પોલીસે કારને અટકાવવાનો પ્રયાસ કરતાં બુટલેગરે કાર પુરઝડપે હંકારતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડ નજીક ઝાડ સાથે કાર ભટકાઈ ગઈ હતી. બુટલેગર કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.પોલીસે કારની તલાશી લેતાં તેમાંમાંથી વિદેશી દારૂની કુલ 552 બોટલ કિંમત રૂ.1,42,560/- મળી આવી હતી. ઉપરાંત અલ્ટ્રોઝ કાર સહિત કુલ રૂ.6.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.





