ભારતીય સેનાના જવાનને લગતી સોશિ. મીડિયા પોલિસીમાં ફેરફાર, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ માત્ર સ્ક્રોલ કરવા

ભારતીય સેનાએ સોશિયલ મીડિયાના ઉપોયગ અંગેની પોલીસીમાં ફેરફાર કર્યો છે. હવે સેનાના જવાન અને અધિકારી ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ માત્ર સ્ક્રોલ કરવા અને દેખરેખના ઉદ્દેશથી કરી શકશે. તે કોઈ પણ પ્રકારની પોસ્ટ નહીં કરી શકે અને કોઈની પોસ્ટને લાઈક કે તેની પર કોમેન્ટ પણ નહીં કરી શકે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિજીટલ એક્ટિવીટીને લઈને સેનાના અન્ય નિયમો યથાવત રહેશે. આ આદેશ સેનાના તમામ યુનિટ અને વિભાગોને આપવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ સૈનિકોને સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ જોવા તેનાથી એલર્ટ રહેવા અને સૂચના માટેની સિમીત અનુમતી આપવાનો છે જેથી તે ખોટા કે ગેરમાર્ગે દોરનાર કન્ટેન્ટને ઓળખી શકે.
નવી વ્યવસ્થા હેઠળ સૈનિક કોઈ સોશિયલ મીડિયા પર કોઈ ખોટી કે ગેરમાર્ગે દોરનારી શંકાસ્પદ પોસ્ટ જોવે તો તેની માહિતી વરિષ્ઠ ઓફિસર્સને આપી શકે છે. જેનાથી માહિતી યુદ્ધ અને ખોટી માહિતી સામે સૈન્યની આંતરિક તકેદારીને મજબૂત બનાવવામાં મદદ કરશે.ભારતીય સેનાએ સમયાંતરે ફેસબુક, એક્સ (અગાઉ ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. સુરક્ષા કારણથી પહેલા આની પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.
આ કડક નિયમો અસંખ્ય ઘટનાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા જેમાં કેટલાક સૈનિકો, વિદેશી એજન્સીઓ દ્વારા ગોઠવાયેલા હની ટ્રેપમાં ફસાઈ ગયા હતા અને અજાણતાં સંવેદનશીલ માહિતી લીક કરી હતી. આનાથી સોશિયલ મીડિયા પર કંટ્રોલ કરવાની જરૂર પડી.
હમણા જ ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચાણક્ય સંરક્ષણ સંવાદ દરમિયાન સેનાના કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પોતાના વિચારો શેર કર્યા. આ કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે જનરેશન-ઝેડ યુવાનો સેનામાં જોડાવા માંગે છે પરંતુ સેના અને સોશિયલ મીડિયા વચ્ચે વિરોધાભાસ હોય તેવું લાગે છે. આ અંગે જનરલ દ્વિવેદીએ કહ્યું કે તે ખરેખર એક પડકાર છે. જ્યારે યુવા કેડેટ્સ NDA માં આવે છે ત્યારે તેઓ સૌથી પહેલા તેમના રૂમમાં છુપાયેલા ફોન શોધે છે. તેમને સમજાવવામાં ત્રણથી છ મહિના લાગે છે કે ફોન વિના જીવન શક્ય છે. જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આજના સમયમાં સ્માર્ટફોન એક જરૂરિયાત બની ગયો છે.
તેમણે કહ્યું કે હું ક્યારેય સૈનિકોને સ્માર્ટફોન આપવાનો ઇનકાર કરતો નથી. અમે ઘણીવાર ફિલ્ડમાં હોઈએ છીએ. પછી ભલે તે બાળકની સ્કૂલ ફી ભરવાની હોય, માતાપિતાનું હેલ્થ ચેકઅપ હોય કે પછી પત્ની સાથે વાત કરવાની હોય આ બધું ફક્ત ફોન દ્વારા જ શક્ય છે.
સોશિયલ મીડિયા કોમેન્ટ અંગે આર્મી ચીફે કહ્યું કે, રિએક્ટ કરવું અને રિસપોન્ડ કરવુંએ બે અલગ અલગ બાબતો છે. તેમણે સમજાવ્યું રિએક્ટ કરવાનો મતલ તાત્કાલિક જવાબ આપવો જ્યારે રિસપોન્ડ કરવાનો મતલબ સમજી વિચારીને જવાબ આપો.અમે નથી ઇચ્છતા કે અમારા સૈનિકો આવી કોઈ ચર્ચામાં સામેલ થાય. એટલા માટે તેમને ફક્ત X જેવા પ્લેટફોર્મ જોવાની મંજૂરી છે પ્રતિક્રિયા આપવાની નહીં.
2017માં તત્કાલીન સંરક્ષણ રાજ્યમંત્રી સુભાષ ભામરેએ સંસદમાં જણાવ્યું હતું કે, આ માર્ગદર્શિકા માહિતીને સુરક્ષિત રાખવા અને તેનો દુરુપયોગ અટકાવવા માટે બનાવવામાં આવી છે.
2019 સુધી સૈન્ય કર્મચારીઓને કોઈપણ સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાવા પર પ્રતિબંધ હતો. 2020 માં નિયમો વધુ કડક કરવામાં આવ્યા અને સૈનિકોને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત 89 મોબાઇલ એપ્લિકેશનો કાઢી નાખવાની સૂચના આપવામાં આવી હતી. જો કે સૈનાએ હજુ પણ ફેસબુક, યુટ્યુબ, એક્સ, લિંક્ડઇન, ક્વોરા, ટેલિગ્રામ અને વોટ્સએપ સહિતના ચોક્કસ પ્લેટફોર્મના મર્યાદિત ઉપયોગની મંજૂરી આપી હતી.




