ગુજરાતમાં કુપોષણના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે તેમ છતાંય 3.21 લાખ શિશુઓ કુપોષિત

‘કુપોષણમુક્ત ગુજરાત’ના સૂત્રો પોકારવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં કુપોષણની સ્થિતી ચિંતાજનક બની છે. કુપોષણના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે તેમ છતાંય લક્ષ્યાંક સિધ્ધ થઈ શક્યો નથી. ખુદ કેન્દ્ર સરકારે એ વાતનો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના 3.21 લાખ શિશુઓ કુપોષિત છે. આ પરથી ગુજરાતમાં કુપોષણની ગંભીર સ્થિતીનો અંદાજ આવી શકે તેમ છે.
કુપોષણ પર કાબૂ મેળવી શકાય તે માટે જનની સુરક્ષા યોજના, કસ્તૂરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃ સુરક્ષા અભિયાન, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કુપોષણમુક્ત ગુજરાત સહિત 10થી વધુ યોજનાઓ અમલમાં છે પણ હજુ પંચમહાલ, દાહોદ સહિતના આદિવાસી-પછાત વિસ્તારોમાં કુપોષણના સ્તરમાં સુધારો થઇ શક્યો નથી.
સંસદમાં કેન્દ્ર સરકારે રજૂ કરેલાં રિપોર્ટમાં એવા તારણો રજૂ થયાં છેકે, જૂન-2025 સુધી ગુજરાતમાં નાનુ કદ ધરાવતાં આદિવાસી નવજાત શિશુઓની સંખ્યા 1,71,570 છે જ્યારે ઓછી ઉંચાઈ ધરાવતાં 37,695 બાળકો છે. આ ઉપરાંત 1,11,862 બાળકો અતિ ઓછુ વજન ધરાવે છે. આદિવાસીઓમાં પાંચ વર્ષથી ઓછી વયના કુપોષિત બાળકોની સંખ્યા વધુ છે. સરકારનો દાવો છેકે, સગર્ભાઓને પોષણયુક્ત આહાર, સરકારી સહાય જ નહી, આરોગ્ય વિભાગ દ્વારા પુરતી દેખરેખ રખાય છે.
બીજી તરફ, વિપક્ષનું કહેવું છે કે, જો સરકાર-સ્વેચ્છિક સંસ્થાઓ ભેગા મળીને પ્રયાસો કરી રહ્યાં છે છતાંય કુપોષણ પર કેમ કાબૂ મેળવાતો નથી તે સવાલ છે. આ ઉપરાંત મળતિયા અને ભ્રષ્ટ અધિકારીઓ સરકારી યોજનાને કમાણીની યોજના બનાવી રહ્યાં છે. વાસ્તવમાં છેવાડાના વિસ્તાર સુધી સરકારી યોજનાનો લાભ મળી શક્યો નથી પરિણામે કુપોષણની સમસ્યા ચિંતાનો વિષય બની રહી છે.
ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં એનિમિયાનો રોગે ડેરાતંબુ તાણ્યાં છે. એનિમિયા થાય તો રંગસૂત્રની ખામીને લીધે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઘટી જાય છે પરિણામે શરીરનો વિકાસ રુંધાય છે. આ વારસાગત રોગ છે. માતાપિતાને એનિમિયા થાય તો બાળકને રોગ થવાની સંભાવના વધી જાય છે. હાલ ન્યુટ્રીશિયન રિહેબીલીટેશન પ્રોગ્રામ, મધર્સ એપ્સ્યૂલેટ ઇન્ફેકશન પ્રોગ્રામ, અનિમિયામુક્ત ભારત સહિત યોજના અંતર્ગત આદિવાસી મહિલાઓને સારવાર અપાઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકારના આંકડા કહે છે કે, ગુજરાતમાં 15થી 49 વર્ષની 78 ટકા આદિવાસી મહિલાઓ એનિમિયાનો ભોગ બની છે.





