GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકાના દ્વારા વીર બાળ દિવસની ગૌરવશાળી ઉજવણી કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદાઓના બલિદાન અને શૌર્યની સ્મૃતિમાં ‘વીર બાળ દિવસ’નો કાર્યક્રમ ભવ્યતાપૂર્વક ઉજવાયો. શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ શ્રી ગોવિંદસિંહજીના પુત્રો – સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહ–જેમણે ધર્મ અને સત્યની રક્ષા માટે નાની વયમાં જ પ્રાણોત્સર્ગ કર્યો, તેમની શહાદતને યાદ કરતો આ કાર્યક્રમ સમાજમાં વીરતા, સાહસ અને દેશભક્તિની ભાવના જાગ્રત કરવાના હેતુથી આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દેવ ચૌધરી, સંગઠનના પ્રમુખ ભુરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, મુખ્ય વક્તા વૈશાલીબેન પારેખ સહિત વિવિધ શાળાઓના ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં, મ્યુનિસિપલ કમિશ્નર દેવ ચૌધરીએ શહીદ બાળ વીરોની ઐતિહાસિક ઘટના અને તેનું મહત્ત્વ સવિસ્તર રીતે સમજાવ્યું. તેમણે જણાવ્યું કે આ બે બાળકોએ ધર્મ અને સિદ્ધાંતો માટે પોતાના જીવનનું બલિદાન આપી, સમગ્ર દેશને અડગ હિંમત અને સિદ્ધાંતનિષ્ઠાનો પાઠ શિખવ્યો વૈશાલીબેન પારેખે બાળકોને સંબોધિત કરતાં કહ્યું કે, “શૌર્ય ઉંમરની બાબત નથી, તે આત્મબળ અને વિચારની દૃઢતાની બાબત છે. તમારામાં રહેલા સાહસ અને સંકલ્પબળને ઓળખો અને તેને સદ્‌માર્ગે વાપરો.” તેમણે યુવા પેઢીમાં દેશભક્તિ, સમાજસેવા અને નીતિમત્તાના સંસ્કાર વિકસાવવા પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ કાર્યક્રમને સંબોધિત કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ દિવસને રાષ્ટ્રીય ‘વીર બાળ દિવસ’ તરીકે ઘોષિત કરવાના નિર્ણયનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે આ નિર્ણય દ્વારા દેશના ભવિષ્યરૂપ બાળકો અને યુવાઓના મનમાં વીરતા, સાહસ અને રાષ્ટ્રપ્રેમની ભાવના પુનઃ પ્રદીપ્ત કરવાનો ઉદ્દેશ્ય રહ્યો છે. કાર્યક્રમના અંત ભાગમાં, શિક્ષણ અને રમતગમતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શહેરના ૪૦૦ બાળકોને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્ન તરીકે મેડલ પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનો સમાપન સાંસ્કૃતિક એકતા અને રાષ્ટ્રીય ભાવના સાથે થયો, જેમાં સૌએ દિલ્હી ખાતેથી જીવંત પ્રસારિત થતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું સાદર પ્રસારણ પણ કરાયું હતું . આ પ્રસંગે બાળકોમાં રાષ્ટ્રભક્તિ અને શૌર્યગાથાઓ પ્રત્યેની જિજ્ઞાસા જાગ્રત થઈ અને સમારોહ એક શૈક્ષણિક તથા પ્રેરણાદાયી અનુભવ સાબિત થયો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને ઐતિહાસિક વારસા સાથે જોડવાનો સર્થ સફળ પ્રયાસ રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!