થરાદ માર્કેટયાર્ડ દ્વારા રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ પરિવારના વાલી વારસાને ચેક વિતરણ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, થરાદ દ્વારા ખેડૂત હિતલક્ષી અને જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ અંતર્ગત થરાદ તાલુકાના દસ વર્ષથી સિત્તેર વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે. આ યોજના હેઠળ કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતે મૃત્યુ થાય તો મૃતકના વાલી વારસોને આર્થિક સહાયરૂપે રૂપિયા એક લાખ આપવામાં આવે છે, જે યોજના ગ્રામ્ય જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
આ યોજનાના અંતર્ગત આજે તારીખ ૨૬/૧૨/૨૦૨૫, શુક્રવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે એક સન્માનપૂર્ણ અને સંવેદનશીલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માનનીય ચેરમેનશ્રી શૈલેષભાઈ પટેલ, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સશ્રીઓ તથા સેક્રેટરી બી. એમ. પટેલની ઉપસ્થિતિમાં અકસ્માતે અવસાન પામેલા ચાર મૃતકોના વાલી વારસોને રૂપિયા એક લાખના દરે કુલ ચાર લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન બજાર સમિતિના હોદ્દેદારો દ્વારા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને આ દુઃખદ સમયમાં બજાર સમિતિ તેમની સાથે ઉભી છે તેવો માનવિય સંદેશ આપવામાં આવ્યો હતો. વીમા સહાયથી પરિવારજનોને આર્થિક રીતે થોડી રાહત મળશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.
અકસ્માત વીમા સહાય પ્રાપ્ત કરનાર મૃતકોની વિગત નીચે મુજબ છે:
ચૌહાણ (ઠાકોર) નીતેષકુમાર હજુરજી ગામ: મોરથલ
ગૌસ્વામી નવિનપુરી જીવાપુરી ગામ: કીયાલ
ગૌસ્વામી હેતલબેન નવિનપુરી ગામ: કીયાલ
સેવાળ (રબારી) લાલાભાઈ માનાભાઈ ગામ: રાંણપુર
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હંમેશા ખેડૂત, મજૂર અને સામાન્ય પ્રજાના કલ્યાણ માટે કાર્યરત રહી છે અને ભવિષ્યમાં પણ આવી લોકહિતકારી યોજનાઓ સતત ચાલુ રાખવામાં આવશે. અકસ્માત વીમા યોજના દ્વારા અચાનક આફતના સમયમાં પરિવારજનોને સહારો મળી રહે તેવો આ પ્રયાસ સમાજ માટે અનુસરણયોગ્ય હોવાનું પણ જણાવ્યું હતું.



