વાવ થરાદ જિલ્લો બન્યો, પરંતુ વાહન વ્યવહાર બન્યો ‘મોતની મુસાફરી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ–થરાદ જિલ્લો બની ગયો છે છતાં આજે પણ અહીંના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બેફામ બન્યો છે. ખાસ કરીને રાત્રીના સમયે કેટલાક વાહન ચાલકો લોકો ને ખીચો ખીચ ભરીને, ક્ષમતા કરતાં અનેકગણાં મુસાફરો લઈ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જે મુસાફરો માટે સીધી મોતની મુસાફરી સમાન છે.
થરાદ ચાર રસ્તા ઉપર પોલીસ ચોકી હોવા છતાં આવા વાહન ચાલકો પર કોઈ નિયંત્રણ દેખાતું નથી. જાણે કે કાયદાનો કોઈ ખોફ જ ન રહ્યો હોય. ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, પરંતુ કાર્યવાહી શૂન્ય છે.
સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સવાલ છે કે જો આવી રીતે કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને નિર્દોષ લોકોના જીવ જાય, તો તેનો જવાબદાર કોણ હશે? વાહન ચાલકો, ટ્રાફિક વિભાગ કે પછી સ્થળ પર હાજર હોવા છતાં આંખ મીંચી રાખનારી વ્યવસ્થા?
જિલ્લો બન્યા બાદ સુવિધાઓ અને સુરક્ષા વધવાની આશા હતી, પરંતુ હકીકતમાં રસ્તાઓ પર અવર જવર અને અસુરક્ષા વધી રહી છે. હવે પ્રશ્ન એ છે કે શું ખાખીનો ખોફ ખરેખર ખતમ થઈ ગયો છે કે પછી કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત રહી છે?
વહેલી તકે ટ્રાફિક વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના થવાની ભીતિ નકારી શકાય નહીં.




