
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મેન્ટેન્સ વિના ગ્રુપ ગ્રામ પંચાયતો લાચાર, ‘સ્વચ્છતા’ના નામે સરકારી નાણાની ઉઘાડી બરબાદી..
ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં ભય વગરનાં ભ્રષ્ટાચારમાં ઈ-રીક્ષા યોજનાને કરંટની સ્થિતિ..સાપુતારા 26-12-2025 ડાંગ જિલ્લાની ડુંગરાળ અને અંતરિયાળ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા ગ્રામ પંચાયતોમાં કચરો સંકલન માટે કરોડો રૂપિયાના ખર્ચે ઈ-રીક્ષા વિતરણ કરવામાં આવ્યુ હતુ.પરંતુ યોજના શરૂ થયા થોડા સમય બાદ જ આ ‘સ્વચ્છતા મિશન’ કાગળ પર જ પૂરું થઈ ગયું હોવાનું ચિત્ર સામે આવી રહ્યુ છે.ડાંગ જિલ્લાનાં ગ્રામ વિકાસ વિભાગનાં નિયામક એસ. ડી.તાબીયાર દ્વારા ઈ-રિક્ષાની ખરીદીમાં ભય વગરનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતા આ ઇલેકટ્રીક યોજનાંને જાણે કરંટ લાગી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લાના મોટા ભાગના ગ્રામ પંચાયતો પાસે સ્વભંડોળનો અભાવ હોવાને કારણે ઈ-રીક્ષાનું નિયમિત મેન્ટેન્સ શક્ય બન્યું નથી. પરિણામે અનેક ગામોમાં લાખો રૂપિયાનું સાધન અણવપરાયેલ હાલતમાં ધૂળ ખાતું જોવા મળી રહ્યું છે. તો કેટલાક સ્થળોએ તો ઈ-રીક્ષાઓ બગડી જઈને ભંગાર સમાન હાલતમાં ફેરવાઈ ગઈ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.ચોંકાવનારી બાબત એ છે કે યોજના બનાવતી વખતે ગ્રામ પંચાયતોની આર્થિક ક્ષમતા, મેન્ટેન્સ ખર્ચ, ડ્રાઈવર વ્યવસ્થા કે બેટરી બદલવાની કોઈ સ્પષ્ટ યોજના જ બનાવવામાં આવી નહોતી. પરિણામે “સ્વચ્છ ભારત”ના સૂત્ર હેઠળ ફાળવાયેલા કરોડો રૂપિયા જમીન પર નહીં પરંતુ અધિકારીઓના ફાઈલોમાં જ વિકાસ બતાવી ગયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઈ-રીક્ષા વિતરણ માત્ર ફોટોસેશન અને રિપોર્ટ પૂરતું જ રહ્યું, ત્યારબાદ તેની કોઈ દેખરેખ રાખવામાં આવી નથી. જો સાચે જ કચરો સંકલન માટે ઈચ્છા હોત તો પંચાયતોને મેન્ટેન્સ માટે અલગ ફંડ, ટેકનિકલ સહાય અને જવાબદારી નક્કી કરવી જરૂરી હતી.હાલ સ્થિતિ એવી છે કે, કરોડોની યોજના નિષ્ફળ સાબિત થતાં ન સ્વચ્છતા સુધરી, ન પંચાયતો સશક્ત બની, અને સરકારના નાણાં બિનઉપયોગી બની ગયા છે. આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે ઉચ્ચ તપાસ થાય અને યોજના અમલમાં થયેલી ખામીઓ જાહેર થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.ડાંગ જેવા પછાત અને આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે જો આવી યોજનાઓ માત્ર કાગળ પર જ અમલમાં આવે તો સરકારના વિશ્વાસ પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થાય તે નિશ્ચિત છે.ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુરેન્દ્રનગર નગરનાં જિલ્લા કલેક્ટર સામે ઈડીની તપાસનાં ધમધમાટ ઉઠ્યા છે.ત્યારે વર્ષોથી પડ્યા પાથર્યા અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એસ.ડી.તબિયાર સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે..





