GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગોંડલના લુણીવાવ ગામ ખાતે કર્યું વૃક્ષારોપણ

તા.૨૬/૧૨/૨૦૨

વાત્સલ્યમ્ સમાચાર

રાજ્યપાલશ્રીએ ગામમાં શેરીની સફાઈ કરીને સ્વચ્છતા જાળવવા પ્રેરણા આપી

વૃક્ષ વાવ્યા પછી તમારે ત્રણ વર્ષ કાળજી લેવાની, પછી વૃક્ષ આખી જિંદગી તમારી કાળજી લેશે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Rajkot, Gondal: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે તેમની રાજકોટ જિલ્લાની મુલાકાત દરમિયાન ગોંડલ તાલુકાના લુણીવાવ ગામ ખાતે વૃક્ષારોપણ કરીને ગામલોકોને વધુ વૃક્ષો ઉછેરવા પ્રેરણા આપી હતી. આ સાથે તેમણે સ્થાનિક અગ્રણીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે શેરીની સફાઈ હાથ ધરીને સ્વચ્છતા અભિયાન આગળ વધારવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા બાદ સાંજે લુણીવાવ ગામ ખાતે પધાર્યા ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

એ પછી રાજ્યપાલશ્રીએ અહીં પ્રાથમિક શાળા ખાતે “એક પેડ માઁ કે નામ અભિયાન” અંતર્ગત વડના છોડનું રોપણ કર્યું હતું. આ તકે તેમણે પોતાના સરળ સ્વભાવ અનુસાર શાળાના બાળકો તથા શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે આજે વાવેલા વૃક્ષોને રોજ પાણી પીવડાવીને ઉછેરવા અને મોટા થાય ત્યાં સુધી તેમનું ધ્યાન રાખવા બાળકોને પ્રેરણા આપી હતી. પ્રાથમિક શાળા ખાતે મહાનુભાવોના હસ્તે વડ સાથે અર્જુન સાદડ, કરંજ, પુત્રંજીવા, લીમડો, ઊમરો, પીપર, પીપળો જેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

આ તકે રાજ્યપાલશ્રીએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ને વેગ આપતા રામજી મંદિરથી લઈને સુખનાથ મહાદેવ મંદિર સુધીની શેરીની સઘન સફાઈ કરી હતી.
આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, જિલ્લા ક્લેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા શ્રી વિજયસિંહ ગુર્જર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે. વસ્તાણી, સરપંચ શ્રી રાજેશભાઈ રૂપારેલિયા, સફાઈ કામદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ અવસરે રાજ્યપાલશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરીને ગામને સ્વચ્છ અને આદર્શ ગ્રામ બનાવવાનો સંકલ્પ લેવા લોકોને પ્રેરણા આપી હતી. તેમણે સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ હોવાનું કહીને સ્વચ્છતાના કાર્યને ખૂબ જ મહત્વનું ગણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, જન્મ દિવસ, લગ્નની વર્ષગાંઠ સહિતના પ્રસંગે સમાજ માટે કંઈક કરવાની ભાવના સાથે વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષ વાવ્યા પછી તમારે ત્રણ વર્ષ કાળજી લેવાની છે. એ પછી વૃક્ષ આખી જિંદગી તમારી કાળજી લેશે. ઓક્સિજન, લાકડા, છાંયડો વૃક્ષ આખી જિંદગી વિનામૂલ્યે આપશે.

આ તકે રાજ્યપાલશ્રીના હસ્તે ગામના સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!