NATIONAL

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક સ્તરે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું !!!

દેશના યુવાનોને રોજગારી અને આંત્રપ્રિન્યોરશિપ માટે તૈયાર કરવાના આશયથી કેન્દ્ર સરકારે વર્ષ 2015માં શરૂ કરેલી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક સ્તરે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. કેગે પીએમકેવીવાયમાં અનેક પ્રકારની ગંભીર ખામીઓ અને ગેરરીતિઓનો ઘટસ્ફોટ કર્યો છે. કેગના રિપોર્ટ મુજબ આ યોજના હેઠળના લાભાર્થીઓના બેન્ક ખાતા, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર સહિતની વિગતો ખોટી દર્શાવાઈ છે. તાલિ કેન્દ્રો પર પણ તાળા લટકતા હોવાનું કેગે જણાવ્યું હતું. સરકારે સાત વર્ષમાં આ યોજના પાછળ રૂ. 14450 કરોડનો ખર્ચ કર્યો હતો. કેગનો આ રિપોર્ટ લોકસભામાં રજૂ કરાયો હતો.

પીએમકેવીવાય યોજનાનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરતાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ)એ તેમાં અનેક ખામીઓ અને ગેરરીતિઓનો ઘટસ્ફોટ કર્યો હતો. આ રિપોર્ટ મુજબ આ યોજના હેઠળ અનેક લાભાર્થીઓના બેન્ક ખાતા નંબર ખોટા લખાયા છે. વધુમાં લાભાર્થી યુવાનોના ઈ-મેલ આઈડી, ફોન નંબર ખોટા અપાયા છે. આ સિવાય અનેક લાભાર્થીઓ માટે એક સમાન ફોટાનો ઉપયોગ કરાયો છે. સૈંકડો યુવાનોને તાલિમ આપનારા તાલિમ સેન્ટરો પર તાળા લાગેલા હોવાનું પણ સામે આવ્યું છે.

કેન્દ્ર સરકારે દેશમાં યુવાનોને રોજગારી મળે અને તેમનું કૌશલ્ય વધે તે માટે વર્ષ જુલાઈ ૨૦૧૫માં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પીએમકેવીવાય) શરૂ કરી હતી. આ યોજના શરૂ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેના હેઠળ યુવાનોને વ્યાવસાયિક, ટેકનિકલ અને કૌશલ્ય વિકાસનું શિક્ષણ અપાશે. આ યોજના ત્રણ તબક્કામાં લાગુ કરાઈ હતી અને તેમાં કુલ રૂ. 14500 કરોડનો ખર્ચ થયો હતો. આ યોજના હેઠળ લાભાર્થી યુવાનના બેન્ક ખાતામાં જ સીધા રૂ. ૫૦૦ જમા થવાના હતા. વર્ષ 2022 સુધી આ યોજના ચાલી હતી. આ યોજનાનું સંચાલન સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (એસડીઈ) મિનિસ્ટ્રીના હાથમાં હતું.

કેગના રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે આ યોજના હેઠળ સ્કિલ ઈન્ડિયા પોર્ટલ પર રેકોર્ડ કરાયેલા બેન્ક એકાઉન્ટ નંબરોમાં વ્યાપક સ્તર પર ગેરરીતિઓ જોવા મળી હતી. 95.91 લાખ ઉમેદવારોમાંથી 90.66 લાખના બેન્ક ખાતાની વિગતોના ખાનામાં ‘ઢીરી’ અથવા ‘શેનન’ લખાયું હતું અથવા તેને ખાલી છોડી દેવાયું હતું. બાકી બચેલા 5.24 લાખ ઉમેદવારોમાંથી 52381 ઉમેદવારોના બેન્ક ખાતા નંબરનું બે અથવા વધુ વખત પુનરાવર્તન કરાયું હતું. આ સિવાય બાકી બચેલા 4.73 લાખથી વધુ ખાતામાં એક જ નંબરનો ઉપયોગ કરાયો હતો, જેમ કે 111111111111 અને 123456789 જેવા નંબરો લખેલા હતા.

કેગે રિપોર્ટમાં સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં અનેક લોકોના નામ પર એક જ ફોટો લગાવાયો છે. તેનાથી ખ્યાલ આવે છે કે યોજનાનો ડેટા અને રેકોર્ડ સાચા નથી. ૨૪ અલગ અલગ સેક્ટર્સમાં ૪૦ કરોડથી વધુ યુવાનોને સ્કિલ ટ્રેનિંગની જરૂર હતી, પરંતુ ટ્રેનિંગ આપતા પહેલાં એ તપાસ ના કરાઈ કે કઈ નોકરી માટે કેટલી અને કઈ ભૂમિકાની જરૂર છે.

કેગે જણાવ્યું કે, આ યોજના હેટળ તાલિમ કેન્દ્રોની પસંદગી પારદર્શી નહોતી  અને અનેક સંસ્થાઓને બેસ્ટ-ઈન-ક્લાસનો દરજ્જો અપાયો, પરંતુ તે આ સેન્ટર ચલાવવાને યોગ્ય નહોતા. અનેક તાલિમ કેન્દ્રો બંધ પડેલા હતા, પરંતુ આ યોજના હેઠળ કાગળો પર તેને ચાલુ બતાવાયા હતા. આ સિવાય કેગની ટીમે તાલિમ કેન્દ્રોના ફિઝિકલ નિરીક્ષણમાં પણ ભારે ગેરરીતિઓ ઉજાગર કરી હતી. જેમ કે, એક જ અધિકારીએ એક જ દિવસમાં ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, ગુજરાતમાં અનેક કેન્દ્રોની ફિઝિકલ મુલાકાત લીધી હોવાનું દર્શાવ્યું. ઓડિટ દરમિયાન કેગે લાભાર્થીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા. ૩૬.૫૧ ટકા ઈ-મેલ ડિલિવર થઈ શક્યા નહીં, કારણ કે તે ખોટા હતા. જે લોકો સુધી ઈ-મેલ પહોંચ્યા તેમાંથી માત્ર ૩.૯૫ ટકાએ જ પ્રતિક્રિયા આપી, જેમાંથી મોટાભાગના તાલિમ કેન્દ્રો અથવા ભાગીદારોના આઈડીથી જ જવાબ અપાયા હતા. કેગના રિપોર્ટ પછી કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રાલયે કબૂલ્યું કે, પ્રારંભિક તબક્કામાં વ્યવસ્થાગત ખામીઓ હતી, પરંતુ હવે સુધારાત્મક પગલાં લેવાયા છે. હવે આધાર પ્રમાણિત ઈ-કેવાયસી, ફેસ-ઓથેન્ટિકેશન, જિયો-ટેગ હાજરી અને ક્યુઆર-કોડેડ ડિજિટલ પ્રમાણપત્ર જેવી અનેક સિસ્ટમ સામેલ કરાઈ છે. આ સિવાય દોષિત સંસ્થાઓ વિરુદ્ધ વસૂલીની કાર્યવાહી શરૂ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!