
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરામાં યોજાયેલા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં ૧૬૨ દર્દીઓની તપાસ; ૨૨ દર્દીઓના વિનામૂલ્યે મોતીયાના ઓપરેશન કરાશે
મુંદરા : શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પરંપરાને જાળવી રાખતા કે.સી.આર.સી.ના સહયોગ અને રોટરી ક્લબ ઓફ મુંદરા તથા મુંદરા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી સેવાના આ યજ્ઞમાં રોટરી ક્લબ ઓફ મુંદરા પાયાની અને મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, જેના કારણે સ્થાનિક અને અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર મળી રહે છે. આ વખતના કેમ્પમાં કુલ ૧૬૨ દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી ૨૨ દર્દીઓને મોતીયાની તકલીફ જણાતા તેઓની આંખનું વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણીનું આરોપણ કરવામાં આવશે. આ ઉપરાંત તપાસ દરમિયાન ૬૫ જેટલા જરૂરિયાતમંદ લોકોને સંસ્થા તરફથી નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ માનવતાવાદી કાર્યમાં આર્થિક સહયોગ માતુશ્રી લક્ષ્મીબેન લાલજી ચોથાણી પરિવાર તરફથી પ્રાપ્ત થયો હતો. કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબના અતુલ પંડ્યા, દિલીપ ગોર તથા લોહાણા સમાજના પ્રમુખ કિશોરભાઇ ચોથાણીએ જહેમત ઉઠાવી હતી. આરોગ્ય ક્ષેત્રે કે.સી.આર.સી.ના ડો. ઇરફાનભાઇ તથા તેમની ટીમે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ અને સહયોગી સંસ્થાઓ દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ સતત કાર્યરત છે જેના ભાગરૂપે આગામી નેત્ર નિદાન કેમ્પ તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે જેમાં બહોળી સંખ્યામાં લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છન સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




