THARADVAV-THARAD

વાવ–થરાદ જિલ્લામાં મેડિકલોમાં લાઇસન્સ વિના સારવાર, ધોરણ વિરુદ્ધ દવા વેચાણ આરોગ્ય તંત્ર મૌન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ–થરાદ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બિનલાઇસન્સી ડોક્ટરો અને ગેરકાયદે મેડિકલ સ્ટોરોની ભરમાર થઈ ગઈ હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગની દેખરેખના અભાવે ઉઘાડ પગા ડોક્ટરો ખુલ્લેઆમ લોકોના જીવ સાથે ચેડાં કરી રહ્યા હોવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી.

દુધવા ગામના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અર્બુદા મેડિકલ દુકાનમાં ફાર્મસીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વસનીય માહિતી મુજબ અહીં લાયકાત ધરાવતા ફાર્માસિસ્ટ હાજર નથી, છતાં દવાઓનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, બાર ધોરણ સુધી ભણેલા યુવકોને નોકરી પર રાખી મેડિકલમાં દવાના વેચાણ માટે બેસાડવામાં આવ્યા છે, અને મોટરસાયકલ પર ગામેગામ જઈ ‘વિઝિટ’ કરીને દવા પહોંચાડવામાં આવી રહી છે, જે ગંભીર ગુનો બને છે.

બીજી બાજુ કમાળી ભુરીયા વિસ્તારમાં એક સાધુ વ્યક્તિ કોઈપણ પ્રકારના ડોક્ટરી લાઇસન્સ વિના લોકોને ખુલ્લેઆમ દવા આપી રહ્યો છે. મીડિયા દ્વારા પૂછપરછ કરતા તેણે કહ્યું કે “અમારા સાહેબ BHMS છે, બહાર છે, હાલ હું સંભાળું છું અને ફોન કરું તો આવી જાય.” આશ્ચર્યની વાત એ છે કે એક જ ડોક્ટરના નામે બે અલગ હોસ્પિટલ ચલાવાઈ રહી હોવાની ચર્ચા હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

 

આ સમગ્ર મામલે મીડિયા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર સાથે ટેલિફોનીક વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે “કાર્યવાહી કરશું” એવો જવાબ આપ્યો હતો. પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું કે મીડિયા દ્વારા બે-ત્રણ વાર અગાઉ પણ રજૂઆત છતાં કોઈ પગલું કેમ ભરાયું નથી, ત્યારે અધિકારીએ જવાબ આપવાને બદલે ફોન કાપી નાખ્યો, જે આરોગ્ય તંત્રની બેદરકારી અને ઉદાસીનતા દર્શાવે છે.

 

 

ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને અજાણ્યા દર્દીઓ આવા ઉઘાડ પગા ડોક્ટરોની ચકાસણી વિના સારવાર લેતા ગંભીર બીમારીઓમાં સપડાઈ રહ્યા છે. ખોટી દવાઓ, ખોટા ઇન્જેક્શન અને અયોગ્ય સારવારથી દર્દીઓના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે

જો કોઈ ગંભીર ઘટના બને તો જવાબદાર કોણ?

વાવ થરાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ, ડ્રગ્સ કંટ્રોલ વિભાગ અને સંબંધિત અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી બિનલાઇસન્સી ડોક્ટરો, ગેરકાયદે મેડિકલ સ્ટોરો અને દવાના ગેરવહિવટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ જનતા તરફથી ઉઠી રહી છે. નહીં તો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી આરોગ્ય તંત્ર પર આવશે.

 

તાજેતરમાં આરોગ્ય અધિકારી દ્વારા હમણાં વાવ થરાદના દરેક તાલુકાઓમાં તપાસ કરવામાં આવી પણ ગામડાઓ આબાદ રહી ગયા છતાં હજુ કોઈ

તપાસ થઈ નથી

Back to top button
error: Content is protected !!