Upleta: ઉપલેટાનાં પ્રાંસલા ખાતે શ્રી વેદિક મિશન ટ્રસ્ટ દ્વારા ૨૬મી રાષ્ટ્રકથાનો પ્રારંભ

તા.૨૭/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
કેરળનાં રાજ્યપાલશ્રી રાજેન્દ્ર વિશ્વનાથજી અને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિ
દેશભરનાં બાળકો અહીં મીની ભારત રૂપે મળે છે
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવી વિકસિત ભારતના યોદ્ધા બનવા વિદ્યાર્થીઓને અપીલ કરતા મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
જાગૃત અને જવાબદાર નાગરિક રાષ્ટ્રની સંપત્તિ:-ધર્મબંધુજી
Rajkot, Upleta: ઉપલેટા તાલુકાના પ્રાંસલા ખાતે શરૂ કરાયેલ ૨૬મી રાષ્ટ્રકથાનાં પ્રારંભ પ્રસંગે કેરળનાં રાજ્યપાલશ્રી રાજેન્દ્ર વિશ્વનાથજી અને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા રાષ્ટ્રકથામાં સહભાગી બન્યા હતાં. શ્રી ધર્મબંધુજી પ્રેરિત રાષ્ટ્રકથાનાં પ્રારંભે કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું હતું કે, ભારતભરથી આવેલા બાળકો અહીં મીની ભારતરૂપે મળે છે. આપણને મળેલી આ એક સુવર્ણ તક છે, અહીં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના બાળકો જીવનની શિક્ષા મેળવવા સહભાગી બને છે.
આ તકે દરેક બાળકને બે સંકલ્પ લેવા મંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું. જેમાં દરેક બાળક અન્ય રાજ્યોમાંથી આવેલા પાંચ બાળકો સાથે મિત્રતા કેળવી આજીવન મિત્રતા નિભાવવાનો સંકલ્પ કરે તેમજ રાષ્ટ્રકથા દરમિયાન ડાયરી રાખી, દિવસ દરમિયાન મળતા જ્ઞાનને ડાયરીમાં નોંધવા અપીલ કરી હતી, આ ડાયરી જીવનપથમાં ઉપયોગી બનશે તેમ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું હતું. તેમણે વિકસિત ભારતનાં નિર્માણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને આ અવસરે યાદ કરી વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા સુચન કર્યું હતું.
કેબિનેટ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નાં યુગમાં આપણે સતત કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ. ટેકનોલોજીના યુગમાં તમારી હરિફાઈ તમારી પોતાની સાથે જ છે ત્યારે અહીં રાષ્ટ્રકથામાં જીવન ઉપયોગી શિક્ષણ મળશે. મંત્રીશ્રીએ દરેક વિદ્યાથીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવી વિકસિત ભારતના યોદ્ધા બનવા અપીલ કરી હતી.
શ્રી વેદિક મિશન ટ્રસ્ટનાં શ્રી ધર્મબંધુજીએ આ તકે સંસ્થાનો પરિચય આપી સંસ્થા દ્વારા થતા કાર્યો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે સંવિધાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સમરસતા તેમજ નાગરિક કર્તવ્ય અંગે વિચાર રજૂ કરી જાગૃત અને જવાબદાર નાગરિક રાષ્ટ્રની સંપત્તિ છે તેમ કહ્યું હતું. ભારત યુવાનોનો દેશ છે, દેશમાં પ્રતિભા, આકાંક્ષા અને ઉર્જા છે. આ ઉર્જાનાં ઉપયોગથી વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવાનો છે તેમ શ્રી ધર્મબંધુજીએ ઉમેરી દરેક નાગરિકે નિષ્ઠાથી પોતાની ફરજ બજાવવા અપીલ કરી હતી.
આ તકે આસામ રાયફલનાં લેફ્ટેનન્ટ જનરલશ્રી વિકાસ લખેરા સહિત સુરક્ષા દળોનાં અધિકારીશ્રીઓ, જવાનો, દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.







