GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગુણવત્તા થકી સુશાસન : રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગની સિદ્ધિ: જિલ્લાની ૧૯ આરોગ્ય સંસ્થાઓ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS) માટે પ્રમાણિત

તા.૨૭/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ખાસ લેખ – હેમાલી ભટ્ટ

આરોગ્યલક્ષી વિવિધ માપદંડોની ચકાસણી બાદ ૧૯ સંસ્થાઓને મળેલું બહુમાન-૩ વર્ષ માટે ૩ લાખ રૂપિયાની પ્રોત્સાહક રકમ મળશે

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની યશ કલગીમાં એક નવું પીછું ઉમેરાયું છે. રાજકોટ જિલ્લાની ૧૯ આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS) માટે પ્રમાણિત કરવામાં આવી છે. જે બદલ આ તમામ કેન્દ્રોને વધુ ૩ લાખ રૂપિયા ત્રણ વર્ષ માટે મળશે.

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અને પેટા આરોગ્ય કેન્દ્ર જેવી વિવિધ આરોગ્ય સંસ્થાઓ ખાતે કેન્દ્ર સરકારની ટીમ દ્વારા ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ માટે કરવામાં આવેલ ચકાસણી તથા વિવિધ નિયત માપદંડો અનુસાર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને આ બહુમાન એનાયત થયું છે.

આ એસેસમેન્ટ દરમિયાન રાજ્ય/રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાત મૂલ્યાંકનકારોની ટીમ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, દર્દીની સુરક્ષા, દવાઓની ઉપલબ્ધતા, રેકોર્ડ સાચવવાની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંક્રમણ નિયંત્રણ, માતા-શિશુ આરોગ્ય સેવાઓ સહિતના વિવિધ મુદ્દાઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને છેવાડાના વંચિત લોકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચી રહી છે. આ NQAS એસેસમેન્ટનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી ગુણવત્તાયુક્ત, સુરક્ષિત અને અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે.

ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ થકી સગર્ભાની સંપૂર્ણ નોંધણી, પૂર્ણ રસીકરણ જેવા લક્ષ્યાંકો પ્રાપ્ત કરી માતામરણ અને બાળમરણમાં નોંધપાત્ર માત્રામાં ઘટાડો શક્ય બને છે.

ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ થકી જીવન શૈલી આધારિત વધી રહેલા ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર જેવા બિનચેપી રોગો સામે લડવા માટે આરોગ્ય તંત્રને સુસજ્જ કરી મૃત્યુ દરમાં ઘટાડો લાવી નાગરિકોની કાર્યક્ષમતામાં અસરકારક વધારો કરે છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવનાર આરોગ્યલક્ષી પડકારો, ચેપી રોગચાળા સંબંધી પરિસ્થિતિ વગેરે માટે સરકારી આરોગ્ય સંસ્થાઓને સજ્જતા પ્રદાન કરે છે.

હાલ રાજકોટ જિલ્લા પંચાયતની ૧૯ સંસ્થાઓ આ પ્રમાણપત્ર મેળવી ચૂકી છે તથા અન્ય ૨૫ જેટલી સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્ર મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના અંતે જિલ્લાની ૫૦% સંસ્થાઓને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ વડે પ્રમાણિત કરાવવાના લક્ષ્યાંક સાથે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ આગળ વધી રહ્યો છે.

રાજકોટ શહેર તથા જિલ્લાના નાગરિકોને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ આપવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તક કાર્યરત આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અને પેટા આરોગ્ય કેન્દ્રોને આ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ તમામ કેન્દ્રોને વધુ ૩ લાખ રૂપિયા ત્રણ વર્ષ માટે મળશે અને ફરીથી રીન્યુ કરાવે તો તે રકમ યથાવત રહેશે.જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના સતત માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ સમગ્ર અભિયાનનું આયોજન જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું, જેને નાગરિકોનો સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

ગુણવત્તા માત્ર એક માપદંડ નથી, પરંતુ જનસ્વાસ્થ્ય માટેની પ્રતિબદ્ધતા છે. આ જ ભાવનાને સાકાર કરતા રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે ગુણવત્તાસભર સેવાઓ દ્વારા સુશાસનની દિશામાં નોંધપાત્ર પગલું ભર્યું છે.

Back to top button
error: Content is protected !!